પુનડીમાં પ્રાથમિક શાળાનાં બાળકોની સુવિધાર્થે સ્ટેન્ડ પોસ્ટનું નિર્માણ

પુનડીમાં પ્રાથમિક શાળાનાં બાળકોની  સુવિધાર્થે સ્ટેન્ડ પોસ્ટનું નિર્માણ
ભુજ, તા. 13 : ટાટા ટ્રસ્ટ દ્વારા પ્રેરિત કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ (સીએસપીસી) નામની સંસ્થા માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનાં પાણી, સ્વચ્છતા અને મહિલા આરોગ્ય સુવિધા બાબતે સક્રિય થતાં બાળકો માટે પ્રાથમિક શાળાઓમાં પણ પીવાનાં પાણી બાબતની સુવિધામાં વધારો થયો છે. સીએસપીસીના કલસ્ટર મેનેજર ભારતીબેન આહીરના જણાવ્યા મુજબ આ સંસ્થા કચ્છ માંડવી સહિત ગુજરાતના 11 કાંઠાળ વિસ્તાર અને ડાંગ-દાહોદ જેવા આદિવાસી વિસ્તારમાં કાર્યરત છે. વોશ ઇન સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત સીએસપીસી દ્વારા માંડવી તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને શુદ્ધ પીવાનું પાણી તેમજ સ્વચ્છ સેનિટેશન યુનિટ મળી રહે તે માટે નવું બાંધકામ ઉપરાંત રિપેરિંગ કરવાની સાથે બાળકોમાં સ્વચ્છતા સંબંધી સારી  ટેવો વિકસાવવાના જાગૃતિ પ્રેરક કાર્યક્રમો પણ થઇ રહ્યા છે. માંડવી તાલુકાની 25 શાળાઓમાં હેન્ડવોશ સ્ટેશન, પીવાનું પાણી સ્ટેશન, પાણીની ટાંકી, સંડાશ, બાથરૂમની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જે તમામ શાળાઓમાં લોકાર્પણ પણ તબક્કાવાર થઇ રહ્યા છે. તાજેતરમાં પુનડી ગામમાં આ પ્રકારની સુવિધાઓનું લોકાર્પણ મહિલા સરપંચ, શાળા સમિતિના મહિલા અધ્યક્ષા અને મહિલા પ્રિન્સિપાલની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું તેવું તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમોમાં સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer