હરિદ્વારના કચ્છી આશ્રમ દ્વારા પ. કચ્છમાં પશુરાહત બચાવ અભિયાન હાથ ધરાયું

હરિદ્વારના કચ્છી આશ્રમ દ્વારા પ. કચ્છમાં  પશુરાહત બચાવ અભિયાન હાથ ધરાયું
નખત્રાણા, તા. 13 : ચાલુ વર્ષે ચોમાસું સદંતર નિષ્ફળ જતાં હમણાથી જ લખપત-અબડાસા તેમજ નખત્રાણા વિસ્તારના સીમાડાઓમાં ઘાસની તીવ્ર અછત વર્તાય છે ત્યારે ઘાસચારાના અભાવે કોઇ પણ પશુનું મૃત્યુ ન થાય, પૂરતા પ્રમાણમાં અંતરિયાળ વિસ્તારના પશુપાલકોને ઘાસ મળી રહે તે માટે પૂ. વાલરામજી મહારાજની પ્રેરણાથી કચ્છી લાલ આશ્રમ-હરિદ્વારા તેમજ સખી દાતાઓના સહયોગથી ઉપરોક્ત વિસ્તારના દુર્ગમ-અંતરિયાળ વિસ્તારોમાં લીલો ચારો તેમજ ઘાસની ગાંસડી પહોંચતી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 50થી વધુ ટ્રકો ઘાસની વિતરિત કરવામાં આવી છે, તો આવી કપરી સ્થિતિમાં ઉપરોક્ત સંસ્થા તેમજ દાતાઓ પશુપાલકો તેમજ ચોપગાના વહારે આવ્યા છે. ઘાસની વ્યવસ્થા અંગે મૂળ?મોટી વિરાણીના હાલે ભુજ સ્થિત નવીનભાઇ આઇયાએ કચ્છમિત્રને માહિતી આપતાં કહ્યું હતું કે, રખડતા-ભટકતા પશુઓ માટે લીલો ચારો નિ:શુલ્ક નીરવામાં આવે છે અથવા તો અપાય છે. જ્યારે જે તે ગ્રામ્ય વિસ્તારમાં ઘાસની ગાંસડીઓનું વિતરણ કરવાનું માત્ર ને માત્ર ભાડું માલધારીઓ પાસે લઇ ઘાસનું વિતરણ કરવામાં આવે છે. હાલે કારમા દુષ્કાળના પગરણ સંભળાઇ રહ્યા છે અને સીમાડાઓમાં ક્યાંય ઘાસ નથી ત્યારે આવા કપરા સમયમાં છેલ્લા પંદર દિવસથી ઉખેડા, વ્યાર, નાના નખત્રાણા, પિયોણી, ગોડજીપર, ઉલટ, કોટડા, ટોડિયા, ચામરા, લખપત, દયાપર, બરંદા, પૈયા, મોતીચુર, કાદિયા નાના-મોટા, ડાડોર, બેરૂ, વિરાણી મોટી-નાની જેવા ગામમાં ઘાસની ગાંસડી અપાઇ છે. જ્યારે લીલા ચારાનું નિ:શુલ્ક વિતરણ નાની-મોટી વિરાણી, ભારાસર, દેવીસર, અરલ, ગોધિયાર, થાન, જતાવીરા, ચરાખડા, પિયોણી, કોટડા, મથલ, ઉગેડી, બેરૂ, સાંગનારા, નખત્રાણા, વ્યાર, મોથાળા, રોહા, બિબ્બર, દેશલપર (ગું.), ધામાય, ઢોરો, ઉઠંગણી, રસલિયા, ધબાણ, નાની-મોટી વમોટી વિસ્તારમાં કરવામાં  આવ્યું છે. હજુ તો શરૂઆત છે. આગળ જતાં શું થશે તે તો ભગવાન જાણે પરંતુ કચ્છના પશુધનને બચાવવા વધુમાં વધુ ધાર્મિક સંસ્થાઓ, સખી-દિલેર દાતાઓ આગળ આવે તે સમયની માંગ છે. ઉપરોક્ત સંસ્થા-દાતાઓ દ્વારા લાખો રૂા.નું ઘાસ વિતરણ થઇ ચૂક્યું છે. ઘાસની ટ્રકોની વિતરણ વ્યવસ્થા મોટી વિરાણીના તરુણભાઇ રાજદે સંભાળી  રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer