માંડવીના નાગનાથ મંદિરે યોજાયેલી સંતાવણીમાં ગૌસેવાર્થે દાન એકત્ર

માંડવીના નાગનાથ મંદિરે યોજાયેલી  સંતાવણીમાં ગૌસેવાર્થે દાન એકત્ર
કાઠડા (તા. માંડવી), તા. 13 : શિવભક્તિના શ્રાવણ માસમાં દરેક શિવાલયોમાં ભક્તોનું ઘોડપૂર ઊમટતું હોય છે. તેવી જ રીતે માંડવીના પૌરાણિક નાગનાથ મંદિરમાં પણ આસ્થાળુઓની વિશેષ માત્રામાં અવર-જવર રહે છે. માંડવીના નવાનાકાથી લઈ નાગનાથ મંદિર સુધીના અડધા કિ.મી. જેટલા અંતરમાં લગભગ આઠથી દશ મંદિરો આવેલા છે. શ્રાવણ વદ આઠમના આ શિવમંદિરોનો સંયુક્ત લોકમેળો ભરાતો હોય  છે, જેને નાગનાથના મેળા તરીકે ઓળખાય છે. આ મેળાની પૂર્વ સંધ્યાએ દર વર્ષે નાગનાથ ભાવિક ગ્રુપ દ્વારા સંતવાણીનું આયોજન કરાય છે. માંડવી તથા આજુ-બાજુ પંથકમાં આ સંતવાણીએ એવી નામના પ્રાપ્ત કરી છે કે નાગનાથ મંદિરના ભજનોના કલાકારો હંમેશાં ખીલતા હોય છે અને ખરા રાગ-રાગિણીના ભજનો સાથેનો ભાવ પ્રગટ થતો હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ મંદિર પટાંગણમાં નિરંજન પંડયા, નીલેશ ગઢવી, જયમીત દવે, હરેશદાન સુરુ સહિતના કલાકારો સાથે શિવ ભજનોની હેલી વરસાવી હતી. સામાજિક-રાજકીય આગેવાનોનું સન્માન નાગનાથ ગ્રુપ દ્વારા કરાયું હતું. મુંબઈ સ્થિત કચ્છી ઉદ્યોગપતિ ચેતન ભાનુશાલીએ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હાલમાં વરસાદ ન થતાં કચ્છમાં અછત જેવી પરિસ્થિતિ છે ત્યારે કચ્છના અબોલ જીવોની સહાયતા માટે પોતે તત્પર છે. કચ્છ માતૃભૂમિ છે અને જ્યાં જરૂર પડશે ત્યાં સહયોગી થવા ખાતરી આપીને આ સંતવાણી માટે રૂા. 25,000ના દાનની જાહેરાત કરી હતી, તો આ કાર્યક્રમ દરમિયાન ગૌસેવાના લાભાર્થે રૂા. 11000 માંડવી નગરપતિ મેહુલભાઈ શાહ તથા હનુમંતસિંહ જાડેજા, રૂા. 11000 યુવા ભાજપના દર્શન ગોસ્વામી તથા વિજયભાઈ ગઢવી તરફથી, તો રૂા. 21000નો ગાયોના ચારાની નાગનાથ ગ્રુપ દ્વારા પણ જાહેરાત કરાઈ હતી, આ કાર્યક્રમમાં માંડવી નગરપતિ મેહુલભાઈ શાહ, સુજાતાબેન ભાયાણી, ઉર્મિલાબેન પીઠડિયા, રાણશી ગઢવી, નીતિનભાઈ હડસુલ (મુંબઈ), જયેશભાઈ (મુંબઈ), વેલજીભાઈ આહીર (વેલજીમામા-કિસાન લોજ), રેખાબેન, કાન્તિભાઈ ભાનુશાલી, નેહાબેન, વિક્રમસિંહ જાડેજા (વિંઝાણ), નીતિનભાઈ ભાનુશાલી (નાગનાથ ડેવલોપર્સ), સરપંચ કિશોર ગઢવી, વરજાંગ ગઢવી વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા. સંતવાણી સંચાલન સાહિત્યકાર રમેશ જોષીએ કર્યું હતું. બીજા દિવસે લોકમેળો ભરાયો હતો, જેમાં આજુ-બાજુના વિસ્તારના અનેક લોકો ઊમટયા હતા. સાંજે નિજમંદિર ખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વ્યવસ્થા નાગનાથ ગ્રુપના જયસુખભાઈ ગઢવી, કૈલાસભાઈ સોની, રાજુ ગઢવી, ચંદ્રસિંહ જાડેજા, રમેશ ગઢવી, દર્શન ઓઝા, પપ્પુભાઈ ગઢવી સહિતના અગ્રણીઓએ સંભાળી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer