આરટીઓ ટેક્સ ચોરી કૌભાંડ સંદર્ભે જુ. કલાર્કની બદલી ?

ભુજ, તા. 13 : અહીંની આરટીઓ કચેરીમાં વાહનની ટેકસ ચોરી કૌભાંડમાં આરટીઓના એક ઉચ્ચ અધિકારીને તાલીમમાં મોકલી દેવાયાના પડાઘા હજુ શમ્યા નથી?ત્યાં આજે એક કલાર્કની બદલી થયાની વાત સામે આવી છે. જો કે, આ અંગે આરટીઓ અધિકારી પોતે બહાર હોવાથી અજાણતા દર્શાવી હતી. આરટીઓના આ મસમોટા કરોડોના કૌભાંડના મામલે તપાસ કે પગલાંની આરટીઓ કે પોલીસ દ્વારા જોઈએ તેવી ગતિ આવી નથી. પરંતુ થોડા દિવસોથી પોલીસે છાનબીન આદરી છે તો બીજી તરફ આરટીઓ તંત્ર પણ સક્રિય થયું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ કૌભાંડમાં ડેટા એન્ટ્રી સાથે સંકળાયેલા એક  જુનિયર કલાર્કની  બદલી કરી દેવાઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં બદલીઓ થશે તેવા ભણકારા વાગી રહ્યા છે. આ સમગ્ર મહાકૌભાંડમાં તપાસનીશો ઊંડા ઊતરશે તો હજુ આગામી દિવસોમાં આરટીઓ કચેરીના કર્મચારીઓ તેમજ ડીલરના એજન્ટો કે ફોલડરિયાના પગ નીચે રેલો આવી શકે અને વધુ કડાકા-ભડાકાની સંભાવના  જાણકારો જોઈ રહ્યા છે. ત્યારે હવે આરટીઓ તંત્ર અને પોલીસના તપાસનીશો પર લોકોની મીટ મંડાઈ છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer