વિઘ્નકર્તા

રાહુલે જેટલીનું રાજીનામું માગ્યું - આનંદ કે. વ્યાસ તરફથી  નવી દિલ્હી, તા. 13 : વિપક્ષને નાણાં પ્રધાન પર નિશાન સાધવાની તક આપતાં ભાગેડુ આર્થિક અપરાધીના દાવા બાદ વિજય માલ્યાના મામલે ભારતમાં મહાભારત જેવી સ્થિતિ સર્જાઇ છે. કોંગ્રેસે આજે માલ્યા સાથે છાની સમજુતી સાધવાનો આક્ષેપ કરતાં નાણાં પ્રધાન અરુણ જેટલીનાં રાજીનામાંની માંગ કરી હતી. રાજધાની દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે, આ `સાઠગાંઠનો સ્પષ્ટ મામલો' છે. નાણામંત્રીએ રાજીનામું આપી દેવું જોઇએ અને આ મામલાની તપાસ થવી જોઇએ. માલ્યાને જારી કરાયેલી ધરપકડની નોટિસ માત્ર જાણ કરતી નોટિસમાં બદલી દેવાઇ, જે માત્ર સીબીઆઇ દ્વારા જ કરી શકાય, તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, સીબીઆઇને ઉપરથી આદેશ હતો કે તેમણે જાતે જ આમ કર્યું, તેની સ્પષ્ટતા તેમણે કરવી જોઇએ. રાહુલે કહ્યું હતું કે, જેટલી જ માલ્યાને દેશ  છોડવાની છૂટ આપવા સહમત થયા હતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી આદેશ મળ્યો હતો, તે સ્પષ્ટ થવું જ જોઇએ. માલ્યાએ દેશ છોડીને જઇ રહ્યા હોવાની જાણ કર્યા પછી પણ જેટલીએ સીબીઆઇ કે ઇડીને જાણ કરી નહોતી, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. અગાઉ જેટલીએ કહ્યું હતું કે, હું કદી માલ્યાને મળ્યો નથી, પરંતુ માલ્યા તો તેમને મળ્યા જ હતા, આમ જેટલી ખોટું બોલે છે, સરકાર ખોટું બોલે છે, તેવા આક્ષેપ કોંગ્રેસ અધ્યક્ષે કર્યા હતા. લાંબા બ્લોગ લખતા જેટલીએ સંસદમાં માલ્યા મળ્યા હતા, તેનો ઉલ્લેખ છેક ગઇકાલે કર્યો, પણ પહેલાં કેમ ન કર્યો, તેવો સવાલ રાહુલે ઉઠાવ્યો હતો. ત્યારબાદ, રાહુલે માઇક કોંગ્રેસ નેતા પી.એલ. પુનિયાને આપતાં પુનિયાએ એવો દાવો કર્યે હતો કે, 2016નાં બજેટ સત્ર વખતે માલ્યા જેટલીને મળ્યા હતા અને તેમની વાતો 15થી 20 મિનિટ ચાલી હતી, તે મેં મારી નજરે જોયું છે. સીસીટીવી કેમેરા પણ લાગેલા હોવાથી આપણે જેટલી માલ્યાની મુલાકાત પુરાવા તરીકે જોઇ શકીએ છીએ. હું ખોટો હોઇશ, તો રાજનીતિમાંથી સંન્યાસ લઇ લઇશ, તેવું પુનિયાએ ઉમેર્યું   હતું. 

કિંગફિશર ગાંધી પરિવારની : ભાજપ 
નવી દિલ્હી, તા. 13 : બેંકોની લોન ભરપાઈ ન કરીને વિદેશ નાસી છૂટેલા વિજય માલ્યાએ દેશ છોડયા પહેલા નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હોવાનો દાવો કર્યા બાદ રાજકીય આક્ષેપોનો દોર શરૂ થયો છે. વિપક્ષે ભાજપની સ્પષ્ટતા માગ્યા બાદ આજે ભાજપે માલ્યાના નિવેદનમાં રાહુલ ગાંધીનું કનેક્શન શોધી કાઢતાં આરોપ મુક્યો હતો કે, રાહુલે લંડનની મુલાકાત કર્યા બાદ માલ્યાએ કરેલું નિવેદન શંકાસ્પદ છે. આ ઉપરાંત કિંગફિશરને ધારાધોરણો નેવે મૂકીને લોન પણ યુપીએના શાસનમાં અપાઈ હતી. વધુમાં કિંગફિશરને પડદા પાછળથી ગાંધી પરિવાર જ ચલાવતો હોવાનો પણ આરોપ મૂક્યો હતો. દરમ્યાન કાયદામંત્રી રવિશંકર પ્રસાદે વાક્યુદ્ધમાં ઝુકાવતાં કહ્યું હતું કે, જેટલીનું રાજીનામું માગવા પહેલાં રાહુલે નેશનલ હેરાલ્ડ કેસમાં સંડોવણીને લઈને પદ છોડવું જોઈએ. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે સવાલ ઉઠાવ્યો હતો કે, રાહુલ ગાંધીના લંડનના પ્રવાસ  બાદ જ માલ્યાએ કેમ જેટલી ઉપર આરોપ મુક્યા ? આ સાથે એમ પણ કહ્યું હતું કે, માલ્યાના આરોપો તથ્યથી પર છે. જેટલીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, માલ્યાએ સદનમાં મળવાનો પ્રયાસ કર્યો હતો અને તેને બેંકો સાથે વાત કરવા કહેવામાં આવ્યું હતું. પ્રસાદે ઉમેર્યું હતું કે, 1947થી 2008 વચ્ચે ભારતીય બેંકોએ 18 લાખ કરોડ રૂપિયાની લોન આપી હતી. જે 2008-14માં વધીને 52 લાખ કરોડે પહોંચી હતી. આ મામલે કોંગ્રેસે જવાબ આપવાની જરૂરિયાત છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આરોપ મૂકતાં કહ્યું હતું કે, કોંગ્રેસની ગત સરકાર અને ગાંધી પરિવારે વિજય માલ્યા અને તેની કિંગફિશર એરલાઈન્સ માટે નિયમો અને કાયદાને કોરણે મૂકી દીધા હતા. કોંગ્રેસે માલ્યા પ્રત્યે દર્શાવેલી આટલી નરમાશનો હેતુ સ્પષ્ટ થવો જોઈએ. પાત્રાએ કહ્યું હતું કે, રાહુલ નાહકના ટ્વિટ કરે છે. જે વ્યક્તિ પોતે જામીન ઉપર બહાર હોય તેણે ભ્રષ્ટાચારની વાત ન કરવી જોઈએ.  ભાજપ પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, કોલકાતાના આવકવેરા વિભાગે તપાસ કરી હતી કે, ડોટેક્સ કંપની પાસેથી રાહુલ ગાંધીએ એક કરોડ રૂપિયાની લોન લીધી હતી. શેલ કંપની ડોટેક્સના પ્રમોટર ઉદયશંકર મહાવરને પૂછપરછમાં કબૂલ્યું હતું કે, તેની 200થી વધુ શેલ કંપનીઓ છે. જેમાં ડોટેક્સ 194મા ક્રમાંકે છે. ગાંધી પરિવારના રૂપિયા નોટબંધી સમયે શેલ કંપનીઓ મારફતે હવાલાથી બહાર જઈ રહ્યા હતા. જેના કારણે નોટબંધી ઉપર રાહુલ ગાંધી હંગામો કરી રહ્યા હતા. વધુમાં પાત્રાએ એમ પણ કહ્યું હતું કે, ક્યારેક તો એવું લાગે છે કે, કિંગફિશર એરલાઈન્સ માલ્યાની હતી કે ગાંધી પરિવારની ? ગાંધી પરિવારની કોઈપણ વ્યક્તિ જ્યારે વિદેશ જતી હતી. ત્યારે બિઝનેસ ક્લાસ મફતમાં મળી જતો હતો.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer