ઇન્દોરમાં મોદી પર ત્રાસવાદી હુમલાની ધમકી !

નવી દિલ્હી, તા. 13 : આવતીકાલે શુક્રવારે દાઉદી વોહરા સમાજના સમારંભમાં સામેલ થવા માટે ઇન્દોર જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મહિલાઓના વેશમાં આતંકવાદી હુમલાની ધમકી અપાઇ હોવાની ગુપ્તચર બાતમી મળી છે. આ બાતમીને ગંભીરતાથી ધ્યાને લેતાં દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. દાઉદી વોહરા સમાજના 53મા ધર્મગુરુ સૈયદના મુફધલ સૈફુદ્દીનને મોદી સૈફીનગરની ઐતિહાસિક મસ્જિદમાં મળવાના હોવાથી વડાપ્રધાનની સુરક્ષા સઘન બનાવતાં સ્પેશિયલ પ્રોટેક્શન  ગ્રુપ (એસપીજી)એ આખી મસ્જિદને ગુરુવારે જ ઘેરી લીધી છે. દેશના વડાપ્રધાન પર આતંકી હુમલાની ધમકીથી ચિંતિત સુરક્ષા તંત્ર સમારોહની પૂર્વસંધ્યાએ ગુરુવારે દોડધામમાં પડી ગયું હતું અને સમારોહના સ્થળ?પર જર્મન ટેકનોલોજીથી સજ્જ 125 કેમેરા ગોઠવી દેવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા 35 મિનિટના કાર્યક્રમ દરમ્યાન જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત સાથે સ્થાનિક ઇન્દોર પોલીસને પણ હાઇએલર્ટ કરી દેવાઇ છે. એસપીજી તરફથી ઓળખપત્ર વગર કોઇપણ વ્યક્તિ વડાપ્રધાનની આસપાસ જઇ ન શકે તેની તકેદારી રાખવાની સ્પષ્ટ સૂચના આપી દેવાઇ છે. આ સમારોહમાં લગભગ 60 ટકા મહિલાઓ હશે તેવા અહેવાલોનાં પગલે સ્થળ?પર 200થી વધુ મહિલા સ્વયંસેવકો તૈનાત કરી દેવાશે. મેટલ ડિટેક્ટર દ્વારા અત્યારથી જ સમારોહ સ્થળની બારીક તપાસ સતત જારી રખાઇ છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer