ફર્નેશની આડમાં પ્રદૂષિત વેસ્ટ ઓઈલ,ડીઝલ-કેરોસીન ઘુસાડીને થતી દાણચોરી

ગાંધીધામ, તા. 13 : કંડલા તથા મુંદરા બંદરોએ આયાત કરાતા પ્રવાહી કન્ટેનર કાર્ગોમાં ભળતી ચીજો ડિકલેર કરીને તેની આડમાં મોટેપાયે ડીઝલ, વેસ્ટ ઓઈલ તથા કેરોસીન ઘુસાડીને કરાતી વ્યાપક દાણચોરી અમદાવાદ સ્થિત ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે ખોળી કાઢતાં સ્થાનિકની કસ્ટમ સહિતની એજન્સીઓમાં ખળભળાટ વ્યાપ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં કંડલાની પ્રયોગશાળાની સંડોવણી હોવાનું સપાટી ઉપર આવતાં આગામી દિવસોમાં ઘણા ઘટસ્ફોટની શક્યતા સેવાઈ રહી છે. ડી.આર.આઈ. સંલગ્ન સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે કંડલા એસ.ઈ.ઝેડ સ્થિત કેટલીક પેઢીમાં અગાઉ કામ કરી ચૂકેલા કેટલાક અુનભવીઓએ આ મિસ ડિકલેરેશનની મદદથી દાણચોરીનો વેપલો શરૂ કર્યો હતો. કંડલા અને મુંદરા બંદરે આવતા આયાતી કન્ટેનરોમાં બંધ માલ માટે ગમે તે નામ આપી દેવાતું હતું. સરકારના નિયમ પ્રમાણે આયાતી ચીજના નમૂના સરકારની કંડલા સ્થિત પ્રયોગશાળામાં પૃથક્કરણ માટે મોકલી પાસ કરાવવા પડતા હોય છે. લાંબા સમયથી આવા નમૂના આસાનીથી દર્શાવેલા માલની તરફેણમાં અપાતા હતા, પરંતુ ખરેખર દાણચોરી થતી હોવાની  બાતમી અમદાવાદ ડી.આર.આઈ.ને મળી હતી. ડી.આર.આઈ.ની ટુકડીએ પંદરેક દિવસ પહેલાં સ્થાનિકે આવીને તપાસ કરતાં ફફડાટ ફેલાયો હતો. ઝોનની કંપનીઓના બે માજી કર્મચારીઓને ઉપાડી પૂછપરછ કરતાં ભાંડો ફૂટયો હતો. કંડલા લેબોરેટરીની પણ ભૂંડી ભૂમિકા સામે આવતાં કંડલા કસ્ટમને કડક સૂચના અપાઈ હતી. દરમ્યાન તાજેતરમાં જ મુંદરા બંદરે ફર્નેશ ઓઈલના નામે આવેલા કન્સાઈનમેન્ટમાંથી વેસ્ટ ઓઈલ નીકળી પડયું હતું. પર્યાવરણની દૃષ્ટિએ તે આયાત માટે પ્રતિબંધિત છે પરંતુ આવો કેટલો જથ્થો કેટલા સમયથી અહીં આવે છે તે સમગ્ર મામલે તપાસ આદરાઈ છે. બીજીબાજુ હાલે જેમની પૂછપરછ થઈ છે તેમણે આવા જ બેનંબરી ધંધા કરતા અન્ય આયાતકારોનાં નામોનો ચિઠ્ઠો પણ ખોલી નાખતાં હવે ઘણાના પગ તળે રેલો આવવાની સંભાવના છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer