સામખિયાળી ચેકપોસ્ટ પરથી છ ટ્રકો ઝડપીને ખનિજતંત્રે સપાટો બોલાવ્યો

ગાંધીધામ, તા. 13 : કચ્છમાં ખાણ-ખનિજ તંત્ર દ્વારા લીઝ ઉપર અપાયેલી જમીનો કે તે સિવાયની જમીનોમાંથી ખનિજ ઉપાડી તંત્રને રોયલ્ટી ભર્યા વિના બારોબાર વેચી મારીને કરોડોની કમાણીનો સિલસિલો વર્ષોથી ચાલે છે, તેવામાં પૂર્વ કચ્છની અલગ પડેલી ખાણ-ખનિજ કચેરીની ટુકડી ગઇરાત્રે સામખિયાળી ચેકપોસ્ટ ઉપર ત્રાટકતાં આવી છ ગાડીઓ પકડી પાડી હતી. પરિણામે રોયલ્ટી ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. બીજી બાજુ આ વાહનોનો કબ્જો સંભાળવામાં પોલીસ તંત્રે અસહકારભર્યું વલણ દાખવતાં આશ્ચર્ય પ્રસર્યું છે. ખાણ-ખનિજ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે વર્ષોથી કામ કરતી ખાણ ખનિજની આ સામખિયાળી સ્થિત ચેકપોસ્ટ ઉપર એકાદ ગાડી પણ ઝડપાઇ નથી, ત્યારે પૂર્વ કચ્છ કચેરીની ટીમ આ સ્થળે ઓચિંતી પહોંચતાં એકસાથે છ વાહનો ઝડપાયા હતા. આ છ પૈકી પાંચ ગાડી રોયલ્ટી ભર્યા વિનાની જ્યારે એક ગાડી ઓવરલોડ જણાઇ હતી. ગઇકાલે મધરાત બાદ થયેલી આ કાર્યવાહીથી ભારે ફફડાટ ફેલાયો છે. ખાણ-ખનિજની ટીમે પહેલાં મોરબી બાજુ ચાલ્યા જઇને રોયલ્ટી ચોરોને અંધારામાં રાખ્યા હતા. પછી અચાનક પરત આવીને આ કાર્યવાહી કરી હતી. સૂત્રોના કહેવા મુજબ આ ગાડીઓ પોલીસને સોંપવામાં તંત્રને નાકે દમ આવી ગયો હતો. પોલીસે તેમની પાસે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ટ્રકો રાખવાની  જગ્યા ન હોવાનું જણાવીને હાથ ઊંચા કર્યા હતા. પછીથી આ ટ્રકો સામખિયાળી ચેકપોસ્ટ પર જ રહેવા દેવી પડી હતી. દરમ્યાન પોલીસમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત મોડી રાત્રે ખાણ-ખનિજ વિભાગે સૂરજબારી ચેકપોસ્ટ પરથી ચાઇનાક્લેનું વહન કરતી 6 ગાડી પકડી પાડી હતી. ટ્રક નંબર જી.જે. 12 ડી.ટી.-9924ના હુસેન મામદને પકડી પડાયો હતો. આ માલ કાના ગોહિલનો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ મોરબીના સંજય જમાદારનો માલ હતો તેવી ટ્રક નંબર જી.જે. 36 ટી-8234 તથા જી.જે. 36 ટી-9452ને પકડી તેના ચાલકો વિનોદ પરમાર તથા પ્રભુ ટુટુતલાને પણ પકડી લેવાયો હતો, જ્યારે મોરબીના હસુ પટેલની ટ્રક નંબર જી.જે. 36 ટી-7999 તથા જી.જે 3 બી.ટી.-2188 ઝડપી પાડી ચાલક સિકંદર અનવર કટિયા અને અનવર રહીમને પકડી પડાયા હતા. તો ખનિજનું ગેરકાયદે વહન કરતી વધુ એક ટ્રક નંબર જી.જે. 12 બી.વી.-9584ને પકડી તેના ચાલક શેરમામદને ઝડપી લેવાયો હતો. આ માલ ભરત મારાજનો હોવાનું બહાર આવ્યું હતું. ખાણ ખનિજ વિભાગે માત્ર એક રાતમાં આટલાં  વાહનો પકડી પાડયાં હતાં, ત્યારે ત્યાં સતત હાજર રહેતી પોલીસ ઊંઘતી હોવાનો અહેસાસ થયો હતો. અગાઉ પણ મોટાં વાહનોના ચાલકો પાસેથી પોલીસ અથવા તેના સાગરિતો રૂપિયા ઉઘરાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer