વીમા કંપની વિરુદ્ધ અને ગ્રાહકની તરફેણમાં જુદા જુદા ત્રણ કિસ્સામાં ફોરમ દ્વારા ચુકાદા

ભુજ, તા. 13 : કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા વીમા કંપની સામેના જુદા જુદા ત્રણ કેસમાં ગ્રાહકની તરફેણમાં ચુકાદા આપ્યા હતા.   નાગલપર ગામના સલીમ સુલેમાન પટેલ દ્વારા એલ.આઇ.સી. પાસેથી જીવન આરોગ્ય વીમો લેવાયા બાદ ઇજા થવાના સમયે થયેલા ખર્ચ સામે વીમા કંપનીએ અત્યંત ઓછું વળતર ચૂકવતાં કેસને ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. ફોરમે આંશિક ફરિયાદ મંજૂર કરતાં રૂા. 80 હજારનું વળતર વ્યાજ અને ખર્ચની રકમ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો.   બીજીબાજુ ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં રહેતા રાજેશભાઇ ગોરનું દક્ષિણ ભારતમાં પાણીમાં તણાઇ જવાથી મૃત્યુ થવાના કિસ્સામાં ફોરમે તેમને ડબલ બેનીફીટ યોજના તળે વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં એલ.આઇ.સી. દ્વારા સિંગલ બેનીફીટ મુજબ વળતર અપાતાં આ કેસ ફોરમમાં લઇ જવાયો હતો. સ્વ. રાજેશભાઇના પત્ની દીપ્તિબેનને ડબલ બેનીફીટ યોજના મુજબની રકમ ખર્ચ, વ્યાજ અને ત્રાસ સાથે ચૂકવવા આદેશ કરાયો હતો. આ બન્ને કેસમાં ફરિયાદી ગ્રાહકોના વકીલ તરીકે વિશાલ બી. મકવાણા, ઋષિ જે. ઉપાઘ્યાય, કુન્દન એસ. ધનાણી, વિનય વી. પઢારિયા, સંકેત સી. જોશી અને સાજીદ તુરિયા રહ્યા હતા.   દરમ્યાન વીમા કંપની સામેના અન્ય એક કેસમાં ફોરમે ભુજના રમેશ એલ. ભાનુશાલી (અમલ) તરફે ચુકાદો આપ્યો હતો. આ ફરિયાદીના વાહનને અકસ્માત નડયા બાદ ચાલક બદલાવાયો હોવાનું કારણ આપી વાંધો લેવાતાં ગ્રાહકે ફોરમમાં ધા નાખી હતી. ફોરમ દ્વારા નુકસાનીની રકમ વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં ગ્રાહકના વકીલ તરીકે અનિલ કે. બાંભણિયા રહ્યા હતા.   ભુજના તબીબો તરફે ચુકાદો   બીજીબાજુ સારવાર દરમ્યાન દર્દી મયૂરભાઇ રાજગોરનું મૃત્યુ થવા વિશેના કિસ્સામાં ભુજના તબીબો ડો. મુકેશ ચંદે, ડો. પ્રકાશ ગલાણી, ડો. સાલ્વી અને ડો. હિતેશ પટેલ સામે બેદરકારીના આરોપ સાથે મરનારના પત્ની દ્વારા કરાયેલો રૂા. બે લાખના વળતરનો દાવો ફોરમ દ્વારા નામંજૂર કરાયો હતો. તબીબી મેડિકલ સાયન્સને અનુરૂપ અપાયેલી સારવાર કારગત ન નીવડે તો તેને બેદરકારી ગણી શકાય નહીં તેવું તારણ આપી ફોરમે આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં તબીબો વતી વકીલ તરીકે ભુજના વરિષ્ઠ ધારાશાત્રી રત્નાકરભાઇ ધોળકિયા સાથે ફોરમબેન ધોળકિયા રહ્યા હતા.   પોલીસ કોન્સ્ટેબલ નિર્દોષ ઠર્યા   ફરજમાં ગેરહાજરી બાબતે થયેલા આઠ વર્ષ જૂના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ હરપાલાસિંહ રાજેન્દ્રાસિંહ જેઠવાનો નિર્દોષ છૂટકારો થયો હતો. વર્ષ 2010 દરમ્યાન આ કેસ થયો હતો. ફરિયાદ પક્ષનો પુરાવો નાસાબિત માની અત્રેના બીજા અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ દ્વારા આ ચુકાદો અપાયો હતો. કોન્સ્ટેબલના વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી એન.વી.ત્રિવેદી અને ચિરાગ એન. ઠાકર રહ્યા હતા.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer