રામવાવમાં માટી નાખવાના મુદ્દે વૃદ્ધને હોકી ફટકારી

ગાંધીધામ, તા. 13 : રાપર તાલુકાના રામવાવ ગામમાં માટી નાખવાના મુદ્દે એક શખ્સે વૃદ્ધ ઉપર હોકી વડે હુમલો કર્યો હતો. તો બીજી બાજુ ગાંધીધામ તાલુકાના મીઠી રોહરમાં છોકરાઓના રમવા મુદ્દે ચાર મહિલાઓએ એક મહિલા ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. રામવાવ ગામમાં રહેતા જીલુભા ખીમજી જાડેજા નામના વૃદ્ધ પોતાના ખુલ્લા પ્લોટમાં માટી સરખી કરી રહ્યા હતા દરમ્યાન ત્યાં બનેસિંગ દેશલજી જાડેજા નામનો શખ્સ આવી અહીં માટી શું કામ નાખો છો તેમ કહી ઉશ્કેરાઈ જઈ આ વૃદ્ધ ઉપર હોકી વડે હુમલો કર્યો હતો. મારામારીના આ બનાવમાં વૃદ્ધને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. મારામારીનો બીજો બનાવ મીઠી રોહર ગામમાં હાજીપીરની દરગાહની બાજુમાં આવેલા વિસ્તારમાં બન્યો હતો. શેરબાનુ હુસેન સોઢાના છોકરા ઘર બહાર રમતા હતા ત્યારે રસીદા ઈશાક સોઢા, જમીલાબેન ઈશાક સોઢા, સલમાબેન ઈશાક સોઢા અને અફસાના ઈશાક સોઢા નામની મહિલા ત્યાં આવી અહીં શા માટે રમો છો તેમ કહી બાદમાં શેરબાનુ સાથે ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલી આ મહિલાઓએ લાકડી વડે હુમલો કરતાં ફરિયાદી મહિલાને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. આ બંને બનાવોમાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer