મેઘપર (કું.)ના મકાનમાંથી 1.84 લાખનો દારૂ ઝડપાયો : એક શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં આવેલી એક સોસાયટીના મકાનમાં પોલીસે છાપો મારી રૂા. 1,84,800નો અંગ્રેજી શરાબ જપ્ત કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી હતી. દારૂ આપનારા ગાંધીધામના એક શખ્સનું નામ બહાર આવ્યું હતું. તો બીજી બાજુ ભચાઉના સુખપર ગામે એક મકાનમાંથી રૂા. 10,850નો દારૂ કબ્જે કરાયો હતો, પરંતુ આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો. મેઘપર કુંભારડીના કાવેરી કોટેજના મકાન નંબર 55માં સ્થાનિક પોલીસે પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો. આ મકાનમાંથી પારસનગરમાં રહેતા અને મૂળ ભુજ તાલુકાના વડવા હોથીના ઘનશ્યામસિંહ ઉર્ફે રાહુલસિંહ જીલુભા જાડેજા નામના શખ્સની પોલીસ ધરપકડ કરી હતી. પોલીસે જુદી જુદી બ્રાન્ડની 528 બોટલ કિંમત રૂા. 1,84,800નો શરાબ તથા દારૂની હેરાફેરી માટે વપરાતું વાહન નંબર જી.જે. 12-એ.વી. 7222 એમ કુલ્લ રૂા. 4,84,800નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પકડાયેલા આ શખ્સની પૂછપરછ કરાતાં દારૂનો આ જથ્થો ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેનારો ભરત મોહનલાલ ભાનુશાલી નામનો શખ્સ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. મુંદરામાં હાલમાં આર.આર. સેલે પકડેલા રૂા. 37 લાખના શરાબકાંડમાં પણ આ ભારતનગરવાસી ભરત ભાનુશાલીનું નામ બહાર આવ્યું હતું. તેને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. બીજી બાજુ સુખપર ગામમાં રહેતા અજિતસિંહ ભૂપતસિંહ જાડેજાના કબ્જાના મકાનમાં પોલીસે દરોડો પાડયો હતો. તેના મકાનમાંથી 750 એમ.એલ.ની 31 બોટલ કિંમત રૂા. 10,850નો શરાબ હસ્તગત કરાયો હતો, પરંતુ આ શખ્સ પોલીસના સકંજામાં આવ્યો ન હતો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer