દેશલપરમાં સગીર છાત્રાની શારીરિક છેડછાડ સાથે અપહરણનો પ્રયાસ

ભુજ, તા. 13 : મુંદરા તાલુકાના દેશલપર ગામે સગીર વયની છાત્રા સાથે શારીરિક છેડછાડ કરવા સાથે તેને બળજબરીથી ઉઠાવી જવાનો પ્રયાસ કરાતાં ભારે સનસનાટી મચી ગઇ છે. પોલીસે આ બાબતે પત્રી (મુંદરા)ના સાગર ઉર્ફે લાલો હરેશપુરી ગોસ્વામી સામે ગુનો દાખલ કરી છાનબીન હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ દેશલપર ગામે કસ્તૂરબા વિદ્યાલય છાત્રાલય નજીક ગઇકાલે સવારે આ ઘટના બની હતી. જેમાં આરોપીએ અનુ.જાતિની સગીર વયની છાત્રા સાથે શારીરિક છેડછાડ કરીને તેને ધાકધમકી સાથે રિક્ષામાં બળજબરીથી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ બાબતે સગીર વયની કન્યાની માતાએ વિધિવત ફરિયાદ લખાવ્યા બાદ મુંદરા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવના પગલે તપાસનીશ ઇન્સ્પેકટર એમ.એન.ચૌહાણ સ્ટાફના સભ્યો સાથે સ્થાનિકે દોડી ગયા હતા. પોલીસદળના એસ.સી. એસ.ટી. સેલના નાયબ અધીક્ષક જે.એન.પંચાલે પણ સ્થાનિકે મુલાકાત લઇ સમગ્ર પરિસ્થિતિની વિગતો મેળવી હતી. આરોપી સામેના ગુનામાં નિર્લ્લજ હુમલો, અપહરણ, એટ્રોસીટી અને પોકસો ધારા સહિતની કલમો લગાડી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer