ગાંધીધામ સંકુલમાં એન્ટી રોમિયો સ્કવોડ સાબદી

ગાંધીધામ, તા. 13 :  પંચરંગી ગાંધીધામ સંકુલમાં વધેલા રોમિયોગીરીના દૂષણને નાથવા પોલીસે ખાસ સ્કવોડને સક્રિય બનાવીને અસરકારક પગલાં ભરવા શરૂ કર્યા છે.  મહિલાઓ અને યુવતીઓમાં સલામતીની ભાવના વધારવા અને તેમને કનડતા છેલબટાઉ તત્ત્વોને બોધપાઠ મળે એ માટે બે મહિલા પીએસઆઇના વડપણ હેઠળ બનાવાયેલી આઠ સભ્યોની આ  બે એન્ટી રોમિયો સ્કવોડે છેલ્લા થોડા જ સમયમાં સાત વાહનોને જપ્ત કરવાની સાથોસાથ 20 જેટલા આવારા તત્ત્વો પાસેથી માફીપત્રો લખાવ્યા છે. ગાંધીધામ અને તેના જોડિયા આદિપુર નગરમાં શાળાઓ અને કોલેજો ઉપરાંત ટયુશન વર્ગોની આસપાસ છેલ્લા ઘણા સમયથી છેલબટાઉ તત્ત્વો દ્વારા યુવતીઓ અને મહિલાઓની કનડગત અને છેડતીના બનાવો વધી રહ્યા હોવાની રાવ ઊઠી હતી.  પૂર્વ કચ્છના મહિલા પોલીસવડા પરિક્ષીતા રાઠોડે આ સંદર્ભમાં બે મહિલા પી.એસ.આઇ. એચ. વી. ગેલા અને એન.વી. શેરગીલના નેતૃત્વ હેઠળ એન્ટીરોમિયો સ્ક્વોડની રચના કરી છે.  પી.એસ.આઇ. શ્રી ગેલાએ જણાવ્યું હતું કે, આ સ્ક્વોડ દ્વારા શાળા કોલેજો છૂટવાના સમયે તથા સાંજના સમયે બાગ બગીચા અને બજારમાં ખાસ પેટ્રલિંગ કરાય છે અને આવારા તત્ત્વો પર ચાંપતી નજર રખાય છે.  શાળ-કોલેજોની આસપાસ કામ વગર ઊભા રહેતા આવા તત્ત્વોની ખાસ પૂછપરછ કરાય છે અને તેમની ઓળખ પણ ચકાસાય છે. બાગ-બગીચામાં પણ આ રીતની કાર્યવાહી હાથ ધરાય છે. ખાસ તો શાળા કે કોલેજમાં અભ્યાસ ન કરતા હોવા છતાં તે વિસ્તારમાં અડ્ડો જમાવતા તત્ત્વોને શોધીને તેમને વિખેરી નાખવા ઉપરાંત ત્યાં ફરી એકઠા ન થવાની તાકીદ કરાય છે.  શિક્ષણ ક્ષેત્રે કચ્છભરમાં નામના ધરાવતા આદિપુરના તોલાણી સંકુલમાં સવારે 11થી બપોરના એક વાગ્યા વચ્ચે કોલેજ રોડ પર ખાસ પેટ્રાલિંગ હાથ ધરાયું છે. પોલીસ દ્વારા આ કાર્યવાહીને વધુ સઘન બનાવાય એવી મહિલાઓ અને યુવતીઓની લાગણી હોવાનું પણ સામે આવી રહ્યંy છે.  આ સંદર્ભમાં આવારા તત્ત્વોની સામેની કાર્યવાહી પણ વધુ કડક કરાય એવી પણ માંગ વધી રહી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer