ગાંધીધામ પાલિકાના સભ્યે હોદ્દો બચાવવા ત્રીજા સંતાનનો જન્મ થતાં ખોટું નામ બદલ્યું

ગાંધીધામ, તા. 13 : નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના સભ્ય દ્વારા પોતાનું પદ બચાવવા માટે ત્રીજા સંતાનનો જન્મ થતાં ખોટું નામ બદલાવ્યું હોવાનું અને તબીબે પણ તેમને મદદરૂપ તવા રેકર્ડમાં ચેડાં કર્યા હોવાની રાવ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ કરવામાં આવી છે. દરમ્યાન સુધરાઇ સભ્યે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારીને પાઠવેલા પત્રમાં કરાયેલા આક્ષેપ મુજબ ગત તા. 25-6ના રાધાબેન મોમાયાભા ગઢવીએ શિવમ વૂમન હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. બાદ સારવારના તમામ બિલો રાધાબેન મોમાયાભા ગઢવીના નામે હતા, પરંતુ પ્રસૂતિ થયા બાદ 28/6ના સુધરાઇ સભ્ય પદ બચાવવા માટે વિજયાબેન મેઘરાજ ગઢવીનું નામ બદલાવી નાખ્યું હતું. મકાન નં. 87, વોર્ડ 2/બી દર્શાવ્યું છે, પરંતુ તે પ્લોટ ખાલી છે. તેમને મદદરૂપ થવા તબીબ ડો. જ્યોત્સનાબેન ઠક્કરે 25/6ના બનાવેલા જન્મ રિપોર્ટમાં ચેડાં કર્યાં છે. નોંધણી નં. 772માં બાળાનું નામ વિજયાબેન મેઘરાજ ગઢવી દર્શાવાયું છે, તેની તપાસ કરવા અને મોમાયાભા અને રાધાબેનનો ડીએનએ ટેસ્ટ કરવા પત્રમાં પ્રકાશ મહેશ્વરીએ માંગ કરી છે. પાંચ દિવસમાં નિવેડો નહીં આવે તો તાલુકા આરોગ્ય અધિકારી કચેરી, રામબાગ હોસ્પિટલ ખાતે આંદોલનાત્મક કાર્યક્રમ આપવાની ચીમકી આપી છે. દરમ્યાન પાણી પુરવઠા કમિટીના ચેરમેન અને વોર્ડ નં. બેના સુધરાઇ સભ્ય મોમાયા ગઢવીએ જણાવ્યું હતું કે, મેં મારા હોદ્દા પરથી ગત તા. 31/6ના જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલને રાજીનામું આપી દીધું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer