બંદર આધારિત પ્રવાસન વિકસાવવામાં દીનદયાળ પોર્ટ પ્રશાસનને રસ નથી !

ગાંધીધામ, તા. 13 : ભારતના મહાબંદરોમાં મોખરાનું સ્થાન ધરાવતા કંડલા-દીનદયાળ પોર્ટ આધારિત પ્રવાસન વિકસાવવામાં યેનકેન પ્રકારે બંદર પ્રશાસનને રસ ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગાંધીધામ સંકુલના હોટેલ એસોસિયેશને આ માટે કરેલા પત્રવ્યવહાર પછી પણ કોઈ પરિણામ આવ્યું નથી. ખુદ પ્રશાસને એક સમયે બંદરના પ્રવેશદ્વાર ઉપર પ્રવાસીઓ માટે શરૂ કરેલું માહિતી કેન્દ્ર ખાલીખમ પડયું છે. અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત પ્રવાસનના એક વખતના અનુભવી સનદી અધિકારી ડો. પી.ડી. વાઘેલા જ્યારે ડી.પી.ટી.ના ચેરમેન પદે આવ્યા ત્યારે સૌપ્રથમ તેમણે પ્રવાસન વિકસાવવા પ્રયત્નો આદર્યા હતા. અલબત્ત તે પછી કોઈએ તેમાં ખાસ રસ દાખવ્યો નહીં. હોટેલ એસો.એ બંદરની બહારથી જ એક પેસેન્જર જેટી માટે એપ્રોચ આપી પ્રવાસીઓને બોટ મારફતે બંદર બતાવવા વગેરે જેવી યોજનાની દરખાસ્ત કરી હતી. પરંતુ તે તરફ ધ્યાન અપાયું નથી. હાલે વારંવારના હોબાળા પછી ટુરિસ્ટ બસની પ્રશાસને વ્યવસ્થા કરી જે બંદરના ગેટ ઉપરથી જેટીઓ ઉપર ફેરવીને પ્રવાસીને પરત ગેટ ઉપર ઉતારે છે. અલબત્ત આ માટે પણ મંજૂરીની પ્રક્રિયા જટિલ હોવાથી લોકોને ઘણા કડવો અનુભવ થઈ રહ્યો છે. પ્રશાસનીક કચેરી ગાંધીધામ હોવાથી પ્રવાસીઓ કંડલા પહોંચ્યા પછી પરત મંજૂરી લેવા 15 કિ.મી. લાંબા થાય છે. ખરેખર તો મંજૂરી માટે કંડલા બંદરે જ વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે પરંતુ તેવું નથી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer