હવે ગાંધીધામમાં પ્લાસ્ટિક વેપારીઓને મહિને 4 હજાર ભરી પરવાનો લેવા તંત્રનો આદેશ

ગાંધીધામ, તા. 13 : રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઝબલાં ઉપર પ્રતિબંધ લાદવા વધુ કડક વલણ અપનાવાયું છે. જે અંતર્ગત અહીંની પાલિકાએ શહેર સંકુલના તમામ વેપારીઓ સાથે બેઠક યોજી તેમને સમજણ આપી હતી. બાદમાં 50 માઇક્રોનથી ઓછા પાતળા પ્લાસ્ટિકના ઝબલાં જપ્ત કરી અમુક વેપારીને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ હવે પ્લાસ્ટિકના ઝબલાં આપનાર દુકાનદારો પાસેથી દર મહિને રૂા. 4000 પાલિકા વસૂલ કરશે તથા તેનો પરવાનો ન લેનાર અને  આ ફી ન ભરનારને દંડ પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. રાજ્ય સરકારે મોટા ઉપાડે પ્લાસ્ટિકના ઝબલાં પર પ્રતિબંધ લાદવા માટે કાર્યક્રમો યોજ્યા હતા. જે અંતર્ગત અહીંની પાલિકાએ શાકભાજીવાળા, ચાની હોટલ વાળા, કરિયાણાના દુકાનદારો સહિતના લોકો સાથે બેઠક યોજી તેમને સમજ આપી હતી અને કોઇએ પોતાના ગ્રાહકોને પ્લાસ્ટિકની થેલી ન આપવા જણાવાયું હતું. જેના પગલે થોડા દિવસ સુધી કોઇ પણ નાના વેપારી આવા ઝબલાં પોતાના ગ્રાહકોને આપતા ખચકાતા હતા અને ઘરેથી કાપડની થેલી લઇ આવવા આગ્રહ કરતા હતા પરંતુ થોડા દિવસ વિત્યા બાદ આવા ઝબલાં પરત ચાલુ થઇ ગયાં છે જેની કોઇ દરકાર લેતું નથી. આ અંગે પાલિકાના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પ્લાસ્ટિકના ઝબલાં જથ્થાબંધ રીતે વેચનાર વેપારી તથા  ગ્રાહકોને  છૂટક ઝબલાં આપનારા  પાસેથી પાલિકા દર મહિને રૂા. 4000 ફી વસૂલ કરશે. ફીના આ ધારાધોરણ રાજ્ય સરકારે નક્કી કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઝબલાંમાં વસ્તુ આપનારા દરેક નાના મોટા વેપારીઓએ પાલિકા પાસેથી પરવાનો લેવાનો રહેશે. જે કોઇ વેપારી પરવાનો ન લે અથવા ફીની રકમ ન ભરે તો તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. આ દંડની રકમ કેટલી લેવી, કેવા નીતિનિયમો રાખવા, પરવાના આપવાના કેવા ધારાધારણ રાખવા તે સહિતના નિયમો, કાયદા નક્કી કરી તે પાલિકાની સામાન્ય સભામાં પાસ થયા બાદ તેને રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે ત્યાંથી લીલીઝંડી મળ્યા પછી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer