લ્યો બોલો, સેવા સેતુમાં નગરસેવકોને જ આમંત્રણ આપતાં ભુલાયું

ભુજ, તા. 13 : શહેર સુધરાઇ દ્વારા યોજાતા સેવા સેતુ કાર્યક્રમમાં લોકો તો ઓછા રસ લે છે પરંતુ જે-તે વોર્ડના નગરસેવકોને પણ જાણ નથી કરાતી અથવા તો છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં આવવા આમંત્રણ અપાતાં ગણગણાટ ફેલાયો છે. ભુજમાં લોકોના અલગ-અલગ સમસ્યાઓ ઉકેલવા સુધરાઇ દ્વારા અંદાજે 30-40 હજારના ખર્ચે યોજાતા સેવા સેતુ કાર્યક્રમમાં હવે લોકોનો ઉત્સાહ મંદ થતો જાય છે અને નગરપાલિકાની જે-તે શાખાના સ્ટાફથી સ્થળ પર ખુરશી ભરાતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તાજેતરમાં જ વોર્ડ નં. 7 અને 8ના રહેવાસીઓ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો પરંતુ તેમાં ઉપરોકત વોર્ડના નગરસેવકોને જ આમંત્રણ નહોતું અપાયું અથવા છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં આવવા કહેવાતાં આ બાબતે નારાજગી ફેલાઇ હતી.જો કે, સુધરાઇની યાદી મુજબ અરજીઓના નિકાલનો આંક દર વખતે ઊંચો બતાવાતો હોય છે જ્યારે સ્થળ પર તેટલા લોકો હાજર નથી હોતા તેવું પણ સૂત્રોએ જણાવ્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer