ઉદ્યોગો, પાંચ કરોડના ઘાસનું કયા વિસ્તારમાં અને કઈ રીતે વિતરણ કર્યું તેની વિગતો જાહેર કરે

ભુજ, તા. 13 : કચ્છમાં ચાલુ વર્ષે નહીંવત જેવો વરસાદ પડયો છે. અબડાસા, લખપત, રાપર અને ભુજના બન્ની-પચ્છમ વિસ્તારમાં વરસાદ બિલકુલ નથી. આ વિસ્તારના પશુધન અને પશુપાલન પર નભતા પરિવારોની હાલત કફોડી થઈ છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પશુધનને વહારે આવવાને બદલે કચ્છના ઉદ્યોગકારો પશુઓ માટે પાંચ કરોડ જેવી માતબર રકમના ઘાસ વિતરણની માયાજાળ રચી પોતાના સામાજિક ઉત્તરદાયિત્વના નામે આ રકમ ગણાવીને પશુપાલકો સાથે મશ્કરી કરી રહ્યા છે. તો સરકારને પણ ખોટા આંકડા બતાવીને ગેરમાર્ગે દોરી રહ્યાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ અગ્રણી આદમભાઈ ચાકી અને જિલ્લા કોંગ્રેસના અગ્રણી ડો. રમેશભાઈ ગરવાએ કર્યો હતો. શ્રી ચાકી અને ડો. ગરવાની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ બે દિવસ પૂર્વે પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ કચ્છના ઉદ્યોગગૃહોએ 1લી એપ્રિલથી અત્યાર સુધી પાંચ કરોડની કિંમતનું ઘાસચારાનું વિતરણ કર્યું. 30 ઓગસ્ટ સુધીમાં કચ્છના ઉદ્યોગગૃહોએ જિલ્લામાં 1.27 કરોડ કિલો ઘાસનું અલગ અલગ તાલુકામાં નીરણ કરેલું છે. આ અહેવાલો કચ્છના અછતગ્રસ્ત પશુઓ અને પશુપાલકો માટે મશ્કરી     સમાન છે. ઉદ્યોગગૃહો દ્વારા પાંચ કરોડની કિંમતના ઘાસચારાનું પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે કરેલું છે, એવો દાવો કરાયો છે. પરંતુ સૌથી વધારે અછતગ્રસ્ત અને જિલ્લામાં સૌથી વધારે પશુધન ધરાવતા ભુજ તાલુકાના બન્ની-પચ્છમ ઉપરાંત લખપત અને અબડાસા તાલુકાના પશુઓની હાલત ઘાસચારા વિના ખૂબ જ દયનીય છે. ત્યારે ઉદ્યોગગૃહોએ પશુધન માટે કચ્છના ક્યા વિસ્તારોમાં માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં જ પાંચ કરોડ જેવી માતબર રકમના ઘાસચારાનું વિતરણ કરેલું છે, તેનો કોઈપણ સત્તાવાર આંકડો કે વિગત જિલ્લા કલેક્ટર હસ્તકની અછત શાખામાં પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત સવા કરોડથી પણ વધારે કિલો ઘાસનું વિતરણ થયેલું છે એવો દાવો કરાયો છે એ ઘાસચારો ક્યા વાહન મારફતે, ક્યા વિસ્તારોમાં, કયા પશુમાલિકોને અને કેટલો જથ્થો વિતરિત કરાયો છે તેની કોઈ પણ સ્પષ્ટતા કે આધાર-પુરાવાની વિગતો ઉપલબ્ધ નથી તેવું તેમણે કહ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer