વધની બદલીવાળા શિક્ષકોને કેમ્પ વિના બે વર્ષ સુધી માતૃશાળાનો લાભ

ભુજ, તા. 13 : જિલ્લામાં વધનાં કારણે બદલી પામેલા શિક્ષકોને બે વર્ષ દરમ્યાન બદલી કેમ્પ ન યોજાય તો તેમને પોતાની માતૃશાળાનો લાભ મળી શકે  તેવી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને કરાયેલી રજૂઆત બાદ સાનુકૂળ પડઘો પડયો છે. જેથી આવા શિક્ષકો પોતાની મૂળ શાળામાં જઇ?શકશે. છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો, વિદ્યાસહાયકોના આંતરિક માગણી બદલી કેમ્પ તેમજ વધ-ઘટના બદલી કેમ્પ શિક્ષકો દ્વારા કરવામાં આવતી વિવિધ કોર્ટ મેટરના કારણે મોકૂફ રહેતા આવ્યા છે. ગત વર્ષના ઓવરસેટઅપ કેમ્પ સહિતના બદલી કેમ્પ હજુ સુધી યોજાઇ શકાયા નથી. જેનાં કારણે ઘણીવાર એવું થતું કે વધમાં બદલી થયેલા શિક્ષકને 2 વર્ષ દરમ્યાન જો બદલી કેમ્પ ન યોજાય તો પોતાની માતૃશાળાનો લાભ ન મળે. આમ વહીવટી પ્રક્રિયાનાં કારણે જે તે શિક્ષકને અન્યાય થતો હતો. આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ વિભાગ તેમજ સરકાર સમક્ષ કરવામાં આવેલી વારંવારની રજૂઆતનો આખરે સાનુકૂળ પડઘો પડયો છે. રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતીશ પટેલ તથા ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષકોની બદલીના નીતિ-નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં સુધારો કરી ક્રમશ: બે આંતરિક બદલી કેમ્પ તેમજ બે વધઘટ બદલી કેમ્પ કરવામાં આવ્યા છે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તા. 12-6-18ના પત્રથી સરકારમાં દરખાસ્ત  કરવામાં આવી હતી જેને મંજૂરી મળી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer