કચ્છ સહિત 14 જિલ્લામાં નવી જીઆઇડીસી વસાહત
ગાંધીનગર, તા. 11 (અમારા  પ્રતિનિધિ તરફથી) : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તેમજ લઘુ ઉદ્યોગ અને સૂક્ષ્મ ઉદ્યોગોને  પ્રોત્સાહિત કરવા રાજ્યના કચ્છ સહિત 14 જિલ્લાઓમાં નવી 16 જીઆઇડીસી વસાહતો સ્થાપવામાં આવશે. દરમ્યાન, રાજ્યમાં બહુમાળી શેડના નિર્માણ માટે 50 ટકા સબસિડી રાજ્ય સરકાર આપશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના ઔદ્યોગિક વિકાસ તેમજ વાયબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે રાજ્યમાં દેશ-વિદેશના ઉદ્યોગો આવી રહ્યા છે તેમજ રાજ્યમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાં વધારો થાય અને રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધે તે માટે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 14 જિલ્લાઓના 15 તાલુકાઓમાં અંદાજિત 2460 હેક્ટર જમીન ઉપર નાના-મોટા મળી કુલ્લ 14,540 પ્લોટોમાં આ જીઆઇડીસી કાર્યરત થશે. જેમાં 50, 100, 200 અને 500 મીટરના પ્લોટોની ફાળવણી કરાશે. જેમાં મલ્ટિસ્ટોરીડ બિલ્ડિંગ, માર્ગો, પાણી, વીજળી સહિત અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ માટે રૂા. 15 હજાર કરોડનું મૂડીરોકાણ થાય તેવી સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, દાહોદ, આણંદ, અમરેલી, ભાવનગર, સુરત અને તાપી જિલ્લામાં આ નવી જીઆઇડીસી સ્થપાશે. જેમાં છેવાડાના માનવીને રોજગારી મળી રહે તે માટે સ્થાનિક કક્ષાના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રાધાન્ય અપાશે. આના પરિણામે 40 હજારથી વધુ સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. દરમ્યાન, ઉદ્યોગ વિભાગ દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે ઉદ્યોગ વિભાગ દ્વારા બહુમાળી શેડ યોજના હેઠળ શેડના નિર્માણ માટે 50 ટકા સબસિડી રાજ્ય સરકાર દ્વારા અપાશે. રાજ્યમાં આ યોજના હેઠળ 1086 શેડ વિવિધ 33 જીઆઇડીસીમાં કાર્યરત કરવાનું આયોજન છે. જેમાં 50 અને 100 ચો.મી.ના બાંધેલા બહુમાળી શેડ પણ જીઆઇડીસી દ્વારા તૈયાર કરી આપવામાં આવશે. રાજ્યમાં આવા કુલ્લ 112 શેડ તૈયાર કરાયા છે અને 552 શેડનાં કામો પ્રગતિ હેઠળ છે, ઉપરાંત આવા નવા 1086 શેડ ઊભા કરવાનું આયોજન છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા 50 ટકા સબસિડી અપાશે, ઉપરાંત જીઆઇડીસી પણ 30 ટકા ડાઉન પેમેન્ટ કરી બાકીના 70 ટકા રકમ સરળ હપ્તેથી ભરી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઇ છે.