કેરા કોલેજના ચેરમેનને હાઇકોર્ટ દ્વારા જામીન
ભુજ, તા. 11 : સવા ચોવીસ કરોડ રૂપિયાની કહેવાતી નાણાકીય ઠગાઇના ભારે ચકચારી બનેલા કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા તાલુકાના કેરા ગામની એચ.જે.ડી. કોલેજના ચેરમેન જગદીશભાઇ દેવજી હાલાઇને રાજ્યની વડી અદાલતે જામીન આપતો આદેશ કરતાં અંતે તેમનો 41 દિવસનો જ્યુડિશિયલ કસ્ટડીનો જેલવાસ પૂર્ણ થયો હતો. ગત મહિનામાં માનકૂવા પોલીસ મથકમાં નોંધાયેલા આ છેતરપિંડી કેસમાં એ જ દિવસે ચેરમેન શ્રી હાલાઇની તપાસનીશ એજન્સી પોલીસની ગુનાશોધક શાખા દ્વારા ધરપકડ કરાઇ હતી. આ પછી જિલ્લાસ્તરે તેમને જામીન મળ્યા ન હતા. આ માટે ગુજરાત હાઇકોર્ટમાં ધા નખાયા બાદ આજે ત્રીજી સુનાવણીના દિવસે તેમને જામીન પ્રદાન કરતો હુકમ કરાયો હતો. હાઇકોર્ટના ન્યાયાધીશ શ્રી કોગ્ઝે સમક્ષ આ હાઇ પ્રોફાઇલ જામીન અરજીની સુનાવણી થઇ હતી, જેમાં બન્ને પક્ષેથી જોરદાર દલીલો થઇ હતી. ફરિયાદ પક્ષ વતી નાણાકીય ઠગાઇ અને ખોટું એન.આર.આઇ.ખાતું ખોલાવવા સહિતના મુદ્દા પેશ કરાયા હતા, તો બચાવ પક્ષ તરફથી એવી વિગતો રજૂ કરાઇ હતી કે ફરિયાદી પાસેથી કોઇ નાણાં લેવાયાં નથી. શૈક્ષણિક સંસ્થા શરૂ કરવા માટે બેન્કો પાસેથી ધિરાણ લેવામાં આવ્યું છે, જ્યારે  એન.આર.આઇ. ખાતું વર્ષ 2010માં બંધ કરાવી નખાયું હોવાથી આ ખોટા ખાતાનો કોઇ પ્રશ્ન જ ઊભો થતો નથી. આરોપો સામેના મુદ્દાસર અને પુરાવા સાથેના જવાબોવાળી દલીલોને માન્ય રાખીને ન્યાયાધીશે શ્રી હાલાઇને જામીન ઉપર મુક્ત કરતો આદેશ કર્યો હતો. ન્યાયાધીશ દ્વારા તેમના આ આદેશની આજે મૌખિક ઘોષણા કરાઇ હતી. વિધિવત્ લેખિત આવતીકાલે જારી કરવામાં આવશે. આ પછી ચેરમેનની મુક્તિનો માર્ગ મોકળો બનશે. હાઇકોર્ટમાં જામીન અરજીની સુનાવણી દરમ્યાન આરોપી વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી નિરુપમભાઇ નાણાવટી સાથે ભુજના એડવોકેટ સંદીપ શાહ હાજર રહ્યા હતા.