નલિયાકાંડમાં ગાંધીધામના આરોપીની વચગાળાના જામીનની માગણી નામંજૂર
ભુજ, તા. 11 : સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવનારા અબડાસા સામૂહિક દુષ્કર્મ મામલામાં ન્યાયતંત્ર દ્વારા કડક વલણ અખત્યાર રાખવા સાથે પ્રકરણમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓ પૈકીના ગાંધીધામ નગરપાલિકાના ભાજપી સદસ્ય એવા અજિત પારૂમલ રામવાણી માટે કરાયેલી વચગાળાના જામીનની માગણી પણ નામંજૂર કરતો ચુકાદો અપાયો હતો.  આરોપી અજિત રામવાણી માટે તેમનાં પત્નીની બીમારી અને સારવાર કરાવવાની હોવાનું જણાવીને વચગાળાના 30 દિવસના જામીન માગવામાં આવ્યા હતા. અત્રેના અધિક સેશન્સ જજ એ.આઇ. રાવલ સમક્ષ આ અરજીની સુનાવણી થઇ હતી. તેમણે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાઅરજી ફગાવી દેતો ચુકાદો  આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નલિયાના આ બહુ ગાજેલા પ્રકરણમાં ન્યાયતંત્ર દ્વારા પહેલેથી જ કડક વલણ અવિરત રાખવામાં આવ્યું છે. આ કેસમાં પકડાયેલા તમામ આઠ આરોપી પૈકી કોઇને પણ હજુ જામીન અપાયા નથી. આજે જેની વચગાળાના જામીનની માગણી ઠુકરાવી દેવાઇ તે આરોપી અજિત રામવાણીની નિયમિત જામીન અરજી છેક રાજ્યની વડી અદાલત સુધી નામંજૂર થઇ ચૂકી છે, તો આ કેસના એક તહોમતદાર વસંત કરશનદાસ ચાન્દ્રા (ભાનુશાલી)ની જામીન અરજી તો છેક દેશની સર્વોચ્ચ અદાલત સુધી નામંજૂર થઇ છે.