સ્વાઇનફલુથી અમદાવાદમાં ભુજના પ્રૌઢનું અને નખત્રાણાના માસૂમનું મૃત્યુ
ભુજ, તા. 11 : સ્વાઇન ફલુ ગરમી વચ્ચે પણ દેખા દેતો રહ્યો છે ત્યારે હવે આસોની સાંજનું રજથી ભરેલું ધૂંધળું વાતાવરણ કઇકને ખાંસતા કરતું થઈ ગયું છે અને ઠરતી રાત શિયાળાની છડી પોકારે છે. જે એચવન એનવનને અનુકૂળ બનશે તો તેથી આરોગ્ય તંત્ર ફરી સક્રિય કાર્યવાહી હાથ ધરે તેવી સમયની માંગ છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે ભુજથી વધુ સારવાર માટે રિફર કરાયેલા 62 વર્ષિય પ્રૌઢે ગત સાંજે     6-30 વાગ્યાના અરસામાં દમ  તોડયો હતો તો આજે સાંજે 4-30 વાગ્યાના સુમારે ભુજની જી.કે. જનરલમાં દાખલ કરાયેલા નખત્રાણાના સૂરી ભિટ્ટના દોઢ વર્ષિય માસૂમે દમ તોડયો હતો. આજે સ્વાઇન ફલુનો કોઇ પોઝીટીવ રિપોર્ટ નથી આવ્યો પણ હજુ કચ્છ અને બહાર 18 જેટલા દર્દી દાખલ છે. જે પૈકી આઠેકની તબીયત ગંભીર મનાઇ રહી છે. ભુજની જી.કે. જનરલ ખાતે બે વેન્ટીલેટર ઉપર અને એક બાયપેપ સહિત છ દર્દી  દાખલ છે તો અન્ય ખાનગી હોસ્પિટલોમાં છે જે પૈકી અમદાવાદમાં બે વેન્ટીલેટર પર અને એક બાયપેપ ઉપર, રાજકોટ અને ગાંધીધામમાં એક-એક દર્દી વેન્ટીલેટર ઉપર સારવાર લઇ રહ્યા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું હતું.