અંજાર સુધરાઇમાં `ઢોરો''ને નીરણ થયું
અંજાર સુધરાઇમાં `ઢોરો''ને નીરણ થયું અંજાર, તા. 11 : ગઇકાલે આખલાઓના યુદ્ધનો ભોગ બનનાર પ્રજાપતિ દિનેશભાઇનું મૃત્યુ થયું હતું, આ બાબતે આજે શહેર કોંગ્રેસ અને તેના કાર્યકરો દ્વારા અંજાર નગરપાલિકામાં `હલ્લાબોલ' કરાયો હતો. સુધરાઇ કચેરીના વિવિધ વિભાગોમાં ચારો નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ એક ઢોરને સુધરાઈમાં ચારો ખાવા માટે છૂટોદોર અપાયો હતો. શાસક પક્ષના નેતા ડેનીભાઇ?શાહ, નગરપાલિકા ઉપપ્રમુખ અનિલભાઇ પંડયા તેમજ હેડ ક્લાર્ક ખીમજીભાઇ સિંધવ સમક્ષ લેખિત તેમજ મૌખિક ઉગ્ર રજૂઆતો દ્વારા જણાવાયું હતું કે, નગરપાલિકાનો વહીવટ સંપૂર્ણપણે ખાડે ગયો છે. વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે તેમજ કોઇપણ અધિકારીઓ પોતાની જવાબદારી પ્રત્યે જાગૃત નથી તેમજ વારંવાર અનેક રજૂઆતો પછી પણ શહેરમાં રખડતા ઢોરોની પરિસ્થિતિ જેમ હતી તેમ જ છે અને સત્તાધીશો માત્ર વિકાસના કામોમાંથી પોતાનો ભાગ મેળવવા માટે જ સુધરાઇમાં હાજર રહે છે તેમજ પોતાની સામાજિક અને નૈતિક જવાબદારીઓથી દૂર ભાગે છે. શહેર કોંગ્રેસની આકરી રજૂઆતોના પ્રત્યુત્તરમાં શાસક પક્ષના નેતા ડેનીભાઇ?શાહે ત્વરિત કાર્યવાહીનું સૂચન આપ્યું હતું. ભવિષ્યમાં આવી કોઇ ?અનિચ્છનીય ઘટના ન બને તે માટે નક્કર પગલાં લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલું આ ઉગ્ર આંદોલન મહેશભાઇ આહીરની આગેવાની હેઠળ કરાયું હતું, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ?રવિભાઇ?આહીર, માજી નગરપતિ ધનજીભાઇ સોરઠિયા, નગરસેવક જિતેન્દ્રભાઇ ચોટારા, અકબરશા શેખ, રમેશભાઇ?ઝરૂ, વનરાજસિંહ ઝાલા, રમેશભાઇ સોરઠિયા, ચેતનાબેન, અરુણાબેન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા ઉગ્ર રજૂઆતો થઇ હતી તેમજ ત્વરિત ધોરણે ભોગ બનનારના પરિવારજનોને સહાય રકમ ચૂકવવાની માગણી કરાઇ હતી. જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ થઇ હતી.