નાગલપરમાં પીવાનું પાણી નહીં મળતાં સરપંચના પતિ પર હુમલો
ગાંધીધામ, તા. 11 : અંજાર તાલુકાનાં મોટી નાગલપર ગામમાં અમુક લોકોના ઘરે પીવાનું પાણી ન આવતાં મહિલા સરપંચના પતિ ઉપર 6 લોકોએ હુમલો કરી તેની કારમાં તોડફોડ કરી હતી. મોટી નાગલપરની ગ્રામ પંચાયતની કચેરીની બાજુમાં ગત તા. 9/10ના સમી સાંજે મારામારીનો આ બનાવ બન્યો હતો. ગામમાં અમુક લોકોના ઘરે પીવાનું પાણી ન આવતાં ગામના મહેશ્વરી સમાજના પ્રમુખ શંકર, ગોવિંદ અને દેવલબેન મહિલા સરપંચ પાસે ગયા હતા અને તમે કેમ અમને પાણી નથી આપતા તેમ કહેતાં મહિલા સરપંચના પતિ મિતેશ દયારામ ટાંક સાથે બોલાચાલી થઇ હતી. દરમ્યાન ઉશ્કેરાયેલા આરોપીઓ  યુવાનને માર મારી ચાલ્યા ગયા હતા. તેવામાં થોડીવાર પછી તુલસી મહેશ્વરી અને રવજી મહેશ્વરી પણ ત્યાં આવ્યા હતા. આ બંનેએ પણ સરપંચના પતિને માર મારી ડસ્ટર ગાડીના કાચ તોડી તેમાં ગોબા પાડી નાખ્યા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.