ઘેનયુકત ઠંડુંપીણું પીવડાવી ભુજના પ્રવાસીની માલમતા બસમાં ધુતાઇ
ઘેનયુકત ઠંડુંપીણું પીવડાવી ભુજના પ્રવાસીની માલમતા બસમાં ધુતાઇ ભુજ, તા. 11 : અમદાવાદથી માંડવી રૂટની એસ.ટી. બસમાં અમદાવાદથી ભુજ આવવા નીકળેલા ભુજના પ્રમુખ સ્વામી નગરમાં રહેતા દિનેશ પ્રેમચંદ જોષી (ઉ.વ.40)ને ઘેનયુકત ઠંડુંપીણું પીવડાવી બેહોશ બનાવી દઇને અજાણ્યા સહપ્રવાસી દ્વારા તેમની પાસેથી દાગીના અને મોબાઇલ સહિત રૂા. એકાદ લાખની માલમતા લઇ જવાઇ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આજે સવારે આ એસ.ટી. બસ ભુજ પહોંચી ત્યારે દિનેશ જોષી મૂર્છિત હાલતમાં મળતાં તેમને અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ સ્વસ્થ બન્યા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અલબત્ત આજે રાત્રિ સુધીમાં હજુ વિધિવત ફરિયાદ દાખલ કરાઇ નથી.  ભોગ બનનારે લખાવેલી કેફિયત મુજબ બસની મુસાફરી દરમ્યાન તેમની બાજુની સીટ ઉપર મુસાફરી કરતા પોતાનું નામ દીપક જણાવનારા સહપ્રવાસીએ બસ જયારે ગાયત્રી હોટલ ઉપર રોકાઇ ત્યારે તેમને ઠંડુંપીણું પીવડાવ્યું હતું. આ પછી બસ ઉપડયા બાદ તેઓ બેહોશ બની ગયા હતા. અજાણ્યો સહપ્રવાસી બે તોલા વજનની સોનાની ચેઇન, એક વીંટી તથા બે મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. એકાદ લાખની માલમતા લઇ ગયો હતો.  પોલીસે પ્રાથમિક નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.