ગાંધીધામમાં ખાનગી મોબાઇલ નેટવર્ક ખોરવાતાં થઇ મુશ્કેલી
ગાંધીધામ, તા. 11 : સંકુલમાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી ટેલિકોમ કંપનીની સેવા અંગેની અનેક ફરિયાદો વચ્ચે આજે સવારે વોડાફોન કંપનીનું નેટવર્ક ઠપ થતાં ગ્રાહકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. નેટવર્ક ગુલ થવાથી અનેક વ્યવહારોને અસર પહોંચી હતી. આર્થિક પાટનગર તરીકે ઓળખાતા આ શહેરમાં આજે સવારના અરસામાં વોડાફોન ટેલિકોમ કંપનીના સીમધારકોના મોબાઇલ ફોન રણકવાના બંધ થયા હતા. એકાએક નેટવર્ક ઠપ થઇ જતાં લોકો સંપર્ક વિહોણા બનતાં એક તબક્કે લોકો હાલાકી સાથે ચિંતામાં મુકાયા હતા. આ સમસ્યાનાં કારણે ઇન્ટરનેટ સેવા પણ બંધ થઇ હતી જેના કારણે અત્રેના મોટાભાગના આર્થિક વ્યવહારને પણ અસર પહોંચી હતી. તદુપરાંત છેલ્લા દિવસોથી આ જ કંપનીની ઇન્ટરનેટ સેવા સહિતની સેવામાં અગવડતા હોવાના કારણે ગ્રાહકો ત્રસ્ત બન્યા હતા. અન્ય ટેલિકોમ કંપની સેવા અંગે પણ રાવ ઊઠી હતી.