પેન્શન મુદ્દે બોર્ડ-નિગમ સહિતના નિવૃત્તો દ્વારા કલેક્ટરને આવેદન
પેન્શન મુદ્દે બોર્ડ-નિગમ સહિતના  નિવૃત્તો દ્વારા કલેક્ટરને આવેદન ભુજ, તા. 11 : સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ બોર્ડ-નિગમ સહિતના નિવૃત્તોને પેન્શન ન ચૂકવાતાં જિલ્લાભરના નિવૃત્તોએ બુધવારે ભુજમાં રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોવા છતાં ઇ.પી.એફ. દ્વારા પેન્શન મુદ્દે અન્યાય કરાતાં બુધવારે સવારે શહેરના દાદા-દાદી પાર્ક ખાતે એસ.ટી. નિવૃત્ત પેન્શનર સમિતિની આગેવાની હેઠળ અંદાજે 600 જેટલા જિલ્લાભરના પેન્શરો એકઠા થઇ કલેકટર કચેરી સુધી રેલીમાં જોડાયા હતા. 1995 પેન્શન યોજના હેઠળ બોર્ડ-નિગમ સહિતના નિવૃત્તોને હાલ રૂા. 700થી 1000 જેટલું પેન્શન મળે છે જે જીવનનિર્વાહ ચલાવવા અપૂરતું હોઇ સુપ્રીમ કોર્ટ દ્વારા આ પેન્શનમાં વધારો કરાયો છે. પરંતુ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ દ્વારા તેનો અમલ કરાતો ન હોઇ તેમજ કેટલો વધારો થયો તેનું સ્પષ્ટીકરણ થતું ન હોઇ આ રેલીનું આયોજન કરાયું હતું. આવેદનમાં વહેલી તકે વધારો કરવામાં આવે અને એરિયર્સની રકમ ચૂકવાય તેવી રજૂઆત કરાઇ હતી. આમ છતાં કોઇ નિર્ણય નહીં આવે તો આગામી 7મી ડિસેમ્બરે દિલ્હીમાં જંતરમંતર મેદાન ખાતે યોજાનારી રેલીમાં જોડાવવા સભ્યોને સૂચના અપાઇ હતી. આ પ્રસંગે મહેસાણા નિવૃત્ત સમિતિના આત્મારામ પટેલ તથા અન્ય સભ્યો જોડાયા હતા. જનાર્દનભાઇ ઉપાધ્યાય, સુરેશ ચૌહાણ, હરકાંત પંડયા, દિનેશ ડુડિયા, ઉમર સમા, શ્રી મોનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બિપિન અબડા, સુરેશ રાજગોર, રાજેશભાઇ ગોર, સુરેશ વણોલ, રોશનઅલી ખોજા, રસિક રાઠોડ, અશોક ધોળકિયાએ જહેમત ઉઠાવી હતી. સંચાલન અને આભારવિધિ મોહનભાઇ ગોરે કર્યા હતા.