ભુજ સુધરાઇના ઠેકેદારોને તુરંત જ ચૂકવણાં, મૃતકના પરિવારો ભુલાયા
ભુજ, તા. 11 : શહેર સુધરાઇના હાથ-પગ સમાન છતાં સામાન્ય પગારમાં ફરજ બજાવતા ફિક્સ અને રોજંદારોને તેમના હક્કના નાણાં ચૂકવવામાં જ વહીવટી સ્ટાફ તથા અધિકારીઓ-પદાધિકારીઓ રસ ન દાખવતાં નારાજગી ફેલાઇ છે. અનેક કર્મચારી કાયમી થવાની આશામાં અવસાન પામ્યા છે ત્યારે તેમની જ બચત તેમના પરિવારને સત્વરે ચૂકવવામાં વિલંબ કેટલે અંશે વાજબી છે ? તેવા સવાલ કચેરીમાં ઊઠયા છે. વરસો સુધી ભુજ સુધરાઇમાં કાયમી થશે તેવા સ્વપ્ન સાથે ફિક્સ કે રોજંદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પગારમાં કપાતા પી.એફ. કે અન્ય નાણાં તેમને ભવિષ્યમાં કામ આવશે કે નહીં તેની સામે સવાલ ઊભા કરતા કિસ્સા બની રહ્યા છે. કોન્ટ્રાક્ટરોનાં બિલ ઝડપથી પાસ કરવામાં સાથે કામ કરતા જ અન્ય કર્મચારીઓને જેટલો રસ હોય છે તેટલો રસ કર્મચારીઓને નાણાં ચૂકવવામાં નથી અપાતો. તાજેતરમાં કાયમી થવાના સ્વપ્ન સાથે વરસો સુધી જન્મ-મરણ શાખામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અવસાન પામેલા કર્મચારીના હક્કના નાણાં તેના પરિવારને સત્વરે ચૂકવવાને બદલે આજે તેમના અવસાનને ત્રણ દિવસ થવા છતાં પ્રક્રિયા હાથ નથી ધરાઇ. આવા તો અનેક પ્રકરણો પડતર પડયા છે. આ બાબત સત્તાધીશો ધ્યાને લે અને કર્મચારીને તેમનો હક્ક સત્વરે મળે તેવા પ્રયાસો કરે તેવી લાગણી કર્મચારી વ્યક્ત કરી રહ્યા છે.