ભુજમાં ધમધમતા વિસ્તારમાં ચાર દુકાન અને કચેરીનાં તાળાં તૂટયાં
ભુજમાં ધમધમતા વિસ્તારમાં ચાર દુકાન અને કચેરીનાં તાળાં તૂટયાં ભુજ, તા. 11 : જિલ્લાના આ મુખ્ય મથકે ચોરીઓને રોકવા માટે પોલીસ દ્વારા અમલી બનાવાયેલો ખાસ એક્શન પ્લાન અમલમાં છે, જ્યારે બીજી બાજુ એક્શન પ્લાન સામે જાણે રિએક્શન આપતા હોય તેમ તસ્કરોએ પણ તેમની આક્રમકતા વધારી છે. શહેરમાં સતત ધમધમતા હોસ્પિટલ રોડ સ્થિત ડો. રાજારામ કોમ્પ્લેક્સમાં ગતરાત્રે એક સાથે ચાર દુકાન અને કચેરીનાં તાળાં સાગમટે તોડીને ચોર-ઉચક્કા તત્ત્વોએ જાણે આ બાબતની પ્રતીતિ કરાવી છે.  આ અગાઉ આ શહેરમાં નાની-મોટી ઘરફોડ સહિતની અનેક તસ્કરીના તાગ હજુ વણઉકેલ હાલતમાં છે તેવા સમયે ગત મધ્યરાત્રિએ હોસ્પિટલ રોડ ઉપર રાજારામ કોમ્પ્લેક્સને તસ્કરોએ જાણે રીતસરનું ધમરોળ્યું હતું. આ કોમ્પ્લેક્સમાં કાર્યરત શ્યામ ભાનુશાલીની શ્રી હરિઓમ કન્સ્ટ્રક્શન,ભાવેશ પટેલની જિનિયસ એજ્યુકેશન અને રાહુલ પટેલની ભગત કોમ્પ્યુટર્સ નામની પેઢીઓ તથા રૂપેશભાઇ વોરાની જમીન લે-વેચ વ્યવસાયની કચેરીને નિશાન બનાવાઇ હતી.  બહાર આવેલી વિગતો અનુસાર, આ ચારેય દુકાન-કચેરીનાં તાળાં તોડવામાં આવ્યાં હતાં. અંદર ઘૂસ્યા બાદ હરામખોરોએ ચીજવસ્તુઓ વેરવિખેર કરી નાખવા સહિતનાં કારનામાઓને અંજામ આપ્યો હતો, પણ સદ્ભાગ્યે તેમના હાથે કોઇ માલમતા આવી ન હતી. બાદમાં આજે સવારે આ કિસ્સો પ્રકાશમાં આવતાં દોડધામ મચી હતી.  દરમ્યાન, આ બનાવ વિશે હજુ વિધિવત્ રીતે પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી. અલબત્ત, ભોગ બનનારા દ્વારા આ વિશે પોલીસને વાકેફ કરાઇ હતી.