માંડવીનું વિકલાંગ કન્યા છાત્રાલય સરસ્વતી મંદિર
માંડવીનું વિકલાંગ કન્યા છાત્રાલય સરસ્વતી મંદિર માંડવી, તા. 11 : અહીંની 25 વર્ષથી કાર્યરત અંધ-અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ દીપ પ્રગટાવી કાર્યક્રમને  ખુલ્લો મૂકી સંસ્થાના હોદ્દેદારોને રૂપિયા 1.50 લાખનો ચેક અર્પણ કરતાં માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયને સરસ્વતીના મંદિર સમાન ગણાવ્યું હતું. તેમણે સંસ્થાની દિવ્યાંગો માટેની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.  સ્વાગત પ્રવચનમાં સંસ્થાના પ્રમુખ ડો. કૌશિકભાઈ શાહે સંસ્થાના ભાવિ કાર્યક્રમોની માહિતી આપી હતી. જ્યારે સંસ્થાનો પરિચય મંત્રી સી.એન. પટેલે આપ્યો હતો. ઉપપ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, આ સંસ્થાએ છેલ્લા 25 વર્ષમાં દિવ્યાંગો માટે રૂપિયા 3.50 કરોડ જેટલી રકમનો સદ્ઉપયોગ કર્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી છેડાના દાનથી મળેલા છ કોમ્પ્યુટરોનું તેમના હસ્તે લોકાર્પણ કરાયું હતું. જ્યારે બાબુભાઈ તાલપત્રીવાલા (કોટડા રોહા, હાલે-મુંબઈ)ના દાનથી છાત્રાલયમાં તૈયાર થયેલી ટપક પદ્ધતિનું લોકાર્પણ દાતાના પ્રતિનિધિ હસમુખભાઈ નંદુના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે તારાચંદભાઈના દાનમાંથી મળેલા પ્રજ્ઞાચક્ષુઓ માટેના 03 રીડર (ઈ. પ ડેઝીપ્લેયર), ચંદુભાઈના દાનમાંથી 01 રીડર અને દિવ્યા એન્ટરપ્રાઈઝ - અમદાવાદ તરફથી 01 રીડરની (પ્રજ્ઞાચક્ષુ) બાળાઓને અનુક્રમે શ્રી છેડા, શ્રી વાડિયા અને ચીમનભાઈ પટેલના હસ્તે અર્પણ કરાયા હતા. જ્યારે જયશ્રીબેન કિશોરભાઈ દાફડા (ગાંધીધામ) તરફથી છાત્રાલયની 22 દિવ્યાંગ છાત્રાઓને ગણવેશનું વિતરણ કરાયું હતું.  આ પ્રસંગે ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાએ પ્રથમ આવેલી 5 છાત્રાઓ, બીજા નંબરે આવેલી 4 છાત્રાઓ અને ત્રીજા નંબરે આવેલી 6 છાત્રાઓને અંધજન મંડળ તરફથી ભુજમાં યોજાયેલી સંગીતથી સ્પર્ધામાં જિલ્લાકક્ષાના મહેમાનોના હસ્તે અભિવાદન કરાયું હતું. મંચસ્થ મહેમાનોનું સંસ્થા દ્વારા દિવ્યાંગ છાત્રાના હસ્તે પુષ્પગુચ્છથી અને ટ્રસ્ટીઓના હસ્તે શાલ વડે અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે માતા ભચીબાઈ સુંદરજી ભદ્રા મેમોરિયલ ફાઉન્ડેશનના ચેરમેન ચેતનભાઈ ભાનુશાલીએ છાત્રાલયની દિવ્યાંગ દીકરીઓને સંસ્થા તરફથી અપાતી સવલતોની સરાહના કરી હતી. ગુજરાત રાજ્ય સંગીત નાટય એકેડેમીના પૂર્વ ચેરમેન યોગેશભાઈ બોક્ષાએ પણ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી, તાલુકા ભાજપના પ્રમુખ ચંદુભાઈ વાડિયા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ ગોહિલ, ઉપનગરપતિ નરેનભાઈ સોની, દાતા જયશ્રીબેન અને ભાજપ મહિલા મોરચાના જિલ્લા ખજાનચી નેણબેન ગઢવીએ પણ મંચ પરથી શુભેચ્છા પાઠવી હતી. સંચાલન ટ્રસ્ટી કમલેશભાઈ પાઠકે કર્યું હતું. જ્યારે સહમંત્રી સુલતાનભાઈ મીરે આભારવિધિ કરી હતી. ટ્રસ્ટી અશ્વિનભાઈએ આગામી જાન્યુ.માં વિકલાંગ કન્યા છાત્રાલયમાં યોજાનારી ભાગવત કથામાં વ્યાસપીઠ પર બેસવાનું તારાચંદભાઈનું સૂચન સ્વીકારવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગોરધનભાઈ પટેલ `કવિ', મુલેશભાઈ દોશી, ડો. નવીનભાઈ ગોગરી, દીપકભાઈ સોની, હાસમભાઈ મેમણ, આર.જી. રાયચંદા, ઉર્મિલાબેન પીઠડિયા વગેરે હાજર રહ્યા  હતા.