રવાપરમાં પાણીનો પ્રશ્ન કાયમી રીતે હલ થાય તેવા પ્રયાસોથી ખુશી વ્યાપી
રવાપર (તા. નખત્રાણા), તા. 11 : આ ગામે વારંવાર સર્જાતી પાણી સમસ્યાના કાયમી ઉકેલ માટે 5 લાખ લીટરના અંડરગ્રાઉન્ડ સમ્પ માટે રવાપર સરપંચ પુષ્પાબેન દિનકરભાઈ રૂપારેલ સહિત બોડીના તમામ સભ્યોની રજૂઆત પગલે દયાપર પાણી પુરવઠા બોર્ડ અને ઉચ્ચકક્ષાના સકારાત્મક વલણથી થોડા સમયમાં જ આ પ્રશ્ને કાયમી ઉકેલ આવવાની આશા જાગી છે. આ પ્રશ્ને રવાપરની વસ્તી ધોરણે અને વિસ્તારની દ્રષ્ટીએ માત્ર 2 ટાંકામાં 1.80 લાખ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે. વારંવાર વીજ અને વિવિધ ક્ષતિ પગલે ગામમાં પાણીની સમસ્યા પગલે તંત્ર સમક્ષ રજૂઆત હાથ ધરી અંડરગ્રાઉન્ડ 5 લાખ લીટર પાણીના સમ્પની રજૂઆત કરાતા તંત્ર દ્વારા આ પ્રશ્ને વહેલી તકે  કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપતા પાણીનો કાયમી પ્રશ્ન ઉકેલવાની આશા જાગી છે.  તા.પં. વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલ દ્વારા ગામ સહિત વિસ્તારમાં નિયમિત વેરા ભરપાઈ કરી સહકાર આપવા અપીલ સાથે તંત્રના સહકારભર્યા વલણને આવકારી ગામની મુખ્ય પાણીની સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા સેવી તંત્રનો આભાર માન્યો હતો.