પ્રથમ તબક્કે 23 કિ.મી.નું કામ 297 કરોડના ખર્ચે થશે
ભુજ, તા. 12 : કચ્છની કાયાકલ્પ કરનારી નર્મદા નહેરની મૂળ લંબાઈ 357 કિ.મી. છે અને તે પૈકી 300થી વધુ કિ.મી.નું કામ થઈ પણ ચૂકયું છે ત્યારે આજે સરદાર સરોવર નિગમ લિમિટેડ દ્વારા ભચાઉથી ભુજ તાલુકા ભણી વહેતા આવનારા પાણી માટે બંધાનારી અને રુદ્રમાતા ડેમ ભરનારી નહેરના પ્રથમ તબક્કાના 23 કિ.મી.ના કામના ઓનલાઈન ટેન્ડર બહાર પાડતાં જિલ્લા મથક સુધીના નર્મદા નહેરના કામનો ધમધમાટ પણ ટૂંક જ સમયમાં શરૂ થશે. માર્ચ માસમાં `કચ્છમિત્ર'ની ટીમે જ્યારે નર્મદા નહેરના કાંઠેકાંઠે પરિક્રમા કરી ત્યારે દુધઈ પેટા નહેર દ્વારા રુદ્રમાતા ડેમ નર્મદાના પાણીથી ભરાશે તેવી વિગતો આપી હતી તે વખતે સરદાર સરોવર નિગમ લિમિટેડના અધિકારીઓની આ સંદર્ભે ચાલતી તૈયારીઓ જોઈને લખાયેલું.. `આ કોઈ ભેંસ ભાગોળે છાસ છાગોળે' એવી કલ્પના નથી પણ નક્કર તૈયારી છે. નિગમ રાત-દિવસ એક કરી રહ્યું છે એ હકીકતને જાણે નિગમે સમર્થન આપ્યું હોય તેમ આજે દુધઈ બ્રાન્ચ કેનાલથી રુદ્રમાતા ડેમ સુધીના 73 કિ.મી.માં પથરાનારી નહેરનાં પ્રથમ તબક્કાના 23 કિ.મી.ના કામના વૈશ્વિક ટેન્ડર ઓનલાઈન બહાર પાડી દીધા હતા.  નિગમના રાધનપુર-ગાંધીધામના અધીક્ષક ઈજનેર શ્રી શ્રીનિવાસનનો આ ટેન્ડર સંદર્ભે સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે કુલ 73 કિ.મી. પૈકીના પ્રથમ 23 કિ.મી.ના કામ માટે બે ટેન્ડર આજે ઓનલાઈન બહાર પડયા છે. જે અનુક્રમે દુધઈ બ્રાન્ચ કેનાલથી 00.000થી 11.430 કિ.મી.નું કામ 96 કરોડ 66 લાખ 46 હજારનું છે જ્યારે બીજું ટેન્ડર 11.430થી 23.025 કિ.મી.નું છે જે માટે અંદાજિત ખર્ચ 200 કરોડ 20 લાખ 73 હજાર છે.આમ કુલ્લ 297 કરોડના ખર્ચે ભુજ તરફ પાણી લાવતી નહેરનો પ્રથમ તબક્કો પૂર્ણ થશે. આ પ્રથમ તબક્કાના ટેન્ડરોમાં અનુક્રમે કામ  પૂર્ણ કરવાની સમયાવધિ 15 અને 18 માસ મુકરર થઈ છે. દુધઈ બ્રાન્ચ કેનાલથી રુદ્રમાતા ભણી આવતી આ નહેર દુધઈથી ભુજ તાલુકાના આહીર પટ્ટીના અને મિંયાણી પટ્ટીના ગામડાઓ જવાહરનગર, વાત્રા, ધ્રંગ, ફુલાય, કોટાય, ઢોરી, સુમરાસર, કુનરિયા અને લોરિયાને નર્મદાના નીર સિંચાઈ અર્થે પહોંચાડશે, ઉલ્લેખનીય છે કે સુમરાસર, કુનરિયા અને લોરિયા હાલ પણ રુદ્રમાતા ડેમમાંથી પાણી મેળવે છે પણ એ ચોમાસા આધારિત પાણી હોય છે જ્યારે આ નહેર પૂર્ણ થયે રુદ્રમાતા ડેમમાં બારેય માસ સિંચાઈ પાણી ઉપલબ્ધ થશે અને તેથી ખેતીની શકલ તુરત જ બદલાઈ જશે.  કચ્છ નર્મદા નહેરમાંથી દુધઈ બ્રાન્ચ કેનાલની જેમ ગાગોદર પેટા નહેર પ8 કિ.મી.ની અને વાંઢિયા પેટા શાખા નહેર 23 કિ.મી.ની નીકળી રહી છે જેના કામો શરૂ થાય તે દિશામાં પણ હાલ નિગમ વ્યસ્ત છે. રૂદ્રમાતા સુધીના કામનાં ટેન્ડર પણ હવે તુરત જ બહાર પડશે.  અત્રે ઉલ્લેખનીય છે કે રુદ્રમાતા ડેમ સુધી નર્મદાના નીર નહેર વાટે કાયમને માટે ભાગ્યપલટો લાવે એ રીતે વહેતા થાય એ દિશામાં નિગમના એક્ઝિ.  ડાયરેકટર અને ભુજ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મુકેશભાઈ ઝવેરીના પ્રયાસો લાંબા સમયથી ચાલતા હતા. શ્રી ઝવેરી સરદાર સરોવર નિગમમાં વિતેલા સાતથી આઠ વર્ષથી વસંતભાઈ રાવલ સાથે એક્ઝિક્યુટિવ ડાયરેકટર છે. ગુજરાત સરકારમાં તેમના સિવાય કોઈપણ વિભાગમાં એક્ઝિ. ડાયરેકટર નથી.