અંજારમાં સંસદીય સચિવને હૃદય રોગનો હળવો હુમલો
અંજારમાં સંસદીય સચિવને  હૃદય રોગનો હળવો હુમલો ગાંધીધામ, તા. 12 : સંસદીય સચિવ અને અંજારના ધારાસભ્ય  અંજાર ખાતે એક કાર્યક્રમ દરમ્યાન હૃદય રોગનો હળવો હુમલો આવતાં તેમને તાબડતોબ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમના પર ટૂંકી શત્રક્રિયા કરાઇ હતી. તેમની તબીયત સુધારા   પર હોવાનું મોડી સાંજે જાણવા મળ્યું છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ અંજારમાં ટાઉન હોલ ખાતે યુવા ભાજપ દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં સંસદીય સચિવ વાસણભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા. સાંજે 6-30 વાગ્યાના અરસામાં તેમને છાતીમાં દુ:ખાવો થયો હતો. તબીયત લથડતાં તાત્કાલિક ગાંધીધામની સ્ટર્લીંગ હોસ્પિટલ લવાયા હતા. હોસ્પિટલ ખાતે એન્જિયો ગ્રાફી કરાઇ હતી. જેમાં 1 નળી બ્લોક હોવાનું જણાયું હતું. જેથી મોડી સાંજે ઓપરેશન કરી સ્ટેન્ટ બેસાડવામાં આવ્યો હોવાનું સંસદીય સચિવના પી.એ. શૈલેશ પટેલે જણાવ્યું હતું. તેમની તબીયત હવે સારી હોવાનું ઉમેર્યું હતું. શ્રી આહીરની તબીયત બગડી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં પક્ષના અગ્રણીઓ, કાર્યકરો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.