ભુજની પેટા ચૂંટણીના પરિણામ બાદ અનેકને પરસેવો..?
ભુજ, તા. 12 : ભુજ વોર્ડ નં. 2ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની પરંપરાગત ગણાતી બેઠક ગુમાવી તો ભાજપે પણ  શ્વાસ કંઠે આવી જાય તેવો  અપક્ષનો ખેલ જોયો, પરિણામે બંને મુખ્ય પક્ષોમાં આંતરિક જૂથવાદની ચર્ચાએ ભારો જોર પકડયું છે. ચૂંટણી દરમ્યાન ભાજપ તથા કોંગ્રેસમાં પડદા પાછળની વિરોધ ભૂમિકા પણ ઊડીને આંખે વળગી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપમાં નારાજી સાથે પડદા પાછળ વિરોધી તરીકે કાર્ય કરનારા અમુક નામો ચર્ચાઇ રહ્યા છે અને પક્ષ દ્વારા તેમના સામે ટૂંક સમયમાં પગલાં ભરાય તેવી શક્યતા વ્યકત થઇ રહી છે ત્યારે આ બાબતે જિલ્લા પ્રમુખ કેશુભાઈપટેલે પણ જો કોઇ પક્ષની  એવી વ્યકિત સામે આવશે તો વાતની ખરાઇ તપાસી ચોક્કસ પગલાં ભરવાની ખાતરી ઉચ્ચારી હતી.  આ જ રીતે કોંગ્રેસની હાર માટે પણ મુસ્લિમ સમાજના જ યુવા નેતાની નારાજગી કારણભૂત લેખાવાઇ રહી છે. ઉમેદવાર પસંદગીથી માંડી જીત માટેની આગેવાનોમાં થયેલી અવગણના ભારે પડી અને કોંગ્રેસના ગઢમાં ગાબડાં સમાન હાર માટેનું કારણ પણ એ જ બાબત બની હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. કચ્છમાં શાસક પક્ષે ભાજપ દ્વારા શિસ્ત પર ભાર અપાય છે પણ સસ્પેન્શન જેવા પગલાં એકદમ?ઝડપથી લેવાતાં નથી તે નલિયાકાંડથી સ્પષ્ટ થયું છે, તો કોંગ્રેસ પણ શંકરસિંહ વાઘેલાના રામ રામ... બાદ આકરાં પગલાં લેવામાં હજુ કદાચ મુહૂર્ત કઢાવતા હોય તેવું ચિત્ર છે.