ભુજમાં માનસિક અસ્થિર યુવાનનું તળાવડીમાં પડી જવાના કારણે મૃત્યુ
ભુજ, તા. 12 : શહેરમાં નૂતન સોસાયટી ખાતે રહેતા માનસિક રીતે અસ્થિર એવા ધવલ મકવાણા (ઉ.વ. 19) નામના નવયુવાનનું શહેરની ભાગોળે વાયુદળ સંકુલ નજીકની તળાવડીમાં ડૂબી જવાથી મૃત્યુ  થયું હતું.  અસ્થિર મગજના આ યુવકને ગતરાત્રે માનસિક રોગની હોસ્પિટલ ખાતે મોકલાયો હતો. ત્યાંથી તેને પાલારા નજીક રામદેવ સેવાશ્રમ ખાતે લઇ જવાયો હતો. જ્યાં આખી રાત માનસિક હાલતના કારણે ઉધામો જારી રાખનારા આ યુવકે આજે સવારે દરવાજો ખૂલતાં બહારની બાજુ દોટ મૂકી હતી. આ પછી લાપતા બનેલા આ હતભાગીનો મૃતદેહ બાદમાં એરફોર્સના બીજા દરવાજા નજીક પીરની દરગાહ પાસેની તળાવડીમાંથી મળ્યો હતો.  માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર અને તેમની ટીમ તથા નગરપતિ અશોકભાઇ હાથી સાથે સુધરાઇની અગ્નિશમન દળની ટીમે મૃતદેહ બહાર કાઢયો હતો. સેવાશ્રમથી ચારથી પાંચ કિ.મી. દોડીને યુવાન તળાવડી ખાતે પહોંચ્યો હતો અને કાળનો કોળિયો બની ગયો હતો. બનાવ વિશે પોલીસમાં નોંધ કરાવાઇ ન હતી.  

  મોટી મઉંમાં અકળ આપઘાત   બીજીબાજુ માંડવી તાલુકાના મોટી મઉં ગામે રીટાબેન વસંત મૂળજી મહેશ્વરી (ઉ.વ.28)એ ગળેફાંસો ખાઇ અકળ આત્મહત્યા કરી હતી. આજે સવારે અગિયારેક  વાગ્યે આ હતભાગી તેના ઘરમાંથી મૃત લટકતી મળી આવી હતી. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બનાવ પછવાડેના કારણો શોધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે  તેવું અમારા ગઢશીશાના પ્રતિનિધિએ પોલીસને ટાંકીને આપેલા અહેવાલમાં જણાવ્યું હતું.