સુરેશ મહેતા નર્મદાનાં નિવેદનો કરીને પાણીમાંથી પોરા કાઢે છે : ભરત પંડયા
અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : નર્મદા યોજના સામેનાં નિવેદનો કરીને સુરેશ મહેતા પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરી રહ્યા છે એમ જણાવતાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ કહ્યું કે, ચૂંટણી આવે ત્યારે નિવેદન કરવા આવી જાય છે. નર્મદા યોજનાનું પવિત્ર કામ છે, આ પવિત્ર કામમાં શંકા, કુશંકા કરીને હવનમાં હાડકાં ન નાખવાં જોઈએ. કોંગ્રેસની જે-તે સમયે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રની સરકારોએ અડચણો ઊભી કરી હતી. કોંગ્રેસની યુપીએ સરકારે 10 વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજાની મંજૂરી ન આપી તે વખતે શ્રી મહેતા ક્યાં હતા? કોંગ્રેસની સામે પ્રશ્નો કે નિવેદન પૂછવાને બદલે ભાજપ સામે પૂછી રહ્યા છે તે નિંદનીય છે. પંડયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા તેના 17 દિવસે નર્મદા ડેમના દરવાજાની મંજૂરી આપી હતી, જે કોંગ્રેસનાં 10 વર્ષના શાસનકાળમાં મળી ન હતી. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇએ નર્મદા અને ગુજરાત માટે અડીખમ નેતૃત્વ પૂરું પાડીને સંઘર્ષ કર્યો છે. નર્મદા માટે મુખ્યપ્રદાન તરીકે ઉપવાસ પર પણ બેઠા હતા. મોદીએ આ નર્મદા યોજનાને વિરોધનાં વમળોમાંથી બહાર કાઢીને વિકાસના વહેણ સુધી વહેતી કરી છે. કેવડિયાથી કચ્છ સુધી નર્મદાનાં નીર આ ગુજરાતના વીરે પહોંચાડયાં છે.નરેન્દ્રભાઇ મોદીની કર્તૃત્વ-નેતૃત્વ અને વ્યક્તિત્વની ઇર્ષ્યામાં શ્રી મહેતા પીડાઇ રહ્યા છે એમ તેમણે આક્ષેપ કર્યો હતો.