રાપરમાં બંધ મકાનને નિશાન બનાવીને 2.17 લાખની ચોરી
ગાંધીધામ, તા. 12 : રાપરના રત્નેશ્વરનગર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો ધોળા દિવસે તેમાંથી સોનાના દાગીના અને રોકડ રૂા. 40,000 એમ કુલ્લ રૂા. 2,17,000ની મતાની ચોરી કરીને નાસી ગયા હતા. રાપરના પોલીસ મથકથી એકાદ કિ.મી. દૂર આવેલા રત્નેશ્વરનગરમાં રહેતા કાળાભાઇ ગોવિંદ પટેલના મકાનમાંથી ચોરીનો આ બનાવ બન્યો હતો. આધેડ એવા આ ખેડૂત ગઇકાલે કૌટુંબિકના લૌકિક પ્રસંગે બહારગામ ગયા હતા. દરમ્યાન પાછળ ઘરે તેમના પત્ની અને દીકરી હતા. આ માતા-દીકરી સવારે 8 વાગ્યે વાડીએ ચાલ્યા ગયા હતા. તેઓ બપોરે 12 વાગ્યે વાડીએથી પરત આવ્યા ત્યારે ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ ખેડૂતે પોતાની દીકરીને મુંબઇ પરણાવી છે જે ગત તા. 6/9ના અહીં આણું કરવા આવી હતી. તેણે પોતાના દાગીના કબાટમાં રાખ્યા હતા. તસ્કરો બાઉન્ડ્રીના દરવાજાનાં તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા અને બહાર મંદિરના ખાનામાં રહેલી ચાવી કાઢી મુખ્ય દરવાજો ખોલી છેક અંદર ગયા હતા જ્યાં અંદર પણ યુવતીના પર્સમાંથી ચાવી કાઢી કબાટ ખોલી તિજોરી ખોલી લીધી હતી અને કબાટમાંથી સોનાનો હાર, વીંટી, મંગળસૂત્ર, બૂટી તથા રોકડા રૂા. 40,000 એમ કુલ્લ રૂા. 2,17,000ની તફડંચી કરી નાસી ગયા હતા. ધોળા દિવસે ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. તો મુખ્ય દરવાજાની ચાવી બહારના મંદિરના ખાનામાં હોવાનું જાણનાર તસ્કરો જાણભેદુ હોવાની શક્યતાના પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.