મઢ આવતા પદયાત્રી સમૂહને ઉત્તર ગુજરાતમાં અકસ્માત, મહિલાનું મોત
ભુજ, તા. 12 : ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ચાણસમા અને હારીજ વચ્ચેના ધોરીમાર્ગ ઉપર પૂરપાટ જઇ રહેલી કારની હડફેટે આવી જવાથી નવરાત્રિ અનુસંધાને કચ્છમાં માતાનામઢ પગપાળા દર્શન કરવા આવી રહેલા મૂળ કચ્છી પટેલ પરિવારના એક મહિલાનું તત્કાળ મૃત્યુ થયું હતું. જયારે અન્ય એક મહિલાને ગંભીર ઇજાઓ થઇ હતી.  બહાર આવેલી વિગતો અનુસાર મહેસાણા ખાતે રહેતા કચ્છી પટેલ પરિવારના પાંચ સભ્યો માતાનામઢ આવવા ગત રવિવારે વહેલી સવારે પગપાળા નીકળ્યા હતા. રાત્રિના ચાણસમા ખાતે આરામ કર્યા બાદ તેઓ આગળ વધી રહ્યા હતા ત્યારે ચાણસમા હારીજ માર્ગ ઉપર વેલકમ હોટલ નજીક પાછળથી પૂરપાટ આવી રહેલી કાર થકી તેમને આ અકસ્માત નડયો હતો.  કારની હડફેટમાં પાંચ પદયાત્રી પૈકી બે મહિલા આવી ગઇ હતી. જે કાર સાથે લગભગ દશેક મીટર ઘસડાઇ હતી. બન્ને પૈકીની એક સ્ત્રીનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. જયારે અન્ય એક મહિલાને ગંભીર ઇજાઓ થતાં તેને મહેસાણા ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. જયાં તેની હાલત નાજુક બતાવાઇ રહી છે. અકસ્માત બાદ બેકાબૂ બનેલી કાર માર્ગ ઉપરના ખાડામાં પણ ખાબકી હતી.