રાયધણપરમાં યુવતીને ઘરમાં ગોંધી રાખી ચાર મહિના સુધી જાતીય શોષણ
ભુજ, તા. 12 : તાલુકાના રાયધણપર ગામે મૂળ ભુજની રહેવાસી એવી 20 વર્ષીય યુવતીને ચારેક મહિના સુધી ઘરમાં ગુપ્ત રીતે ગોંધી રાખીને તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાનો મામલો પોલીસ દફ્તરે ફરિયાદના સ્વરૂપમાં ચડયો છે. આ પ્રકરણમાં એક જ પરિવારના પાંચ ત્રી-પુરુષ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  પોલીસ દફ્તરેથી પ્રાપ્ત માહિતી મુજબ, ભોગ બનનારી યુવતીએ ગતરાત્રે આ મામલે રાયધણપર ગામના સુમિત શામજી કોળી, શામજી કોળી, મેઘુબેન શામજી કોળી, હિના સંજય શામજી કોળી અને સંજય શામજી કોળી સામે ફરિયાદ લખાવી હતી. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ મથકે ભારતીય દંડ સંહિતાની કલમ 346, 328, 376(2)(એમ) અને 506(2) તથા 114 મુજબ ગુનો દાખલ કરાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ખાંટે કેસની તપાસ હાથ ધરી છે.  ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ સંબંધી વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપીઓએ ભોગ બનનારી યુવતીને બળજબરીથી ચારેક મહિના પોતાના ઘરમાં ગોંધી રાખી હતી. પ્રથમ રાત્રે કોઇ ઝેરી કે નશો કરે તેવો પદાર્થ ભોગ બનનારને ખવડાવીને તેને બેહોશ કરી નાખવામાં આવી હતી અને આરોપી પૈકીના સુમિત શામજીએ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી સતત ચારેક મહિના સુધી સુમિતે યુવતી સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો, સાથે-સાથે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ  આપી હતી.