વાગડ વિસ્તારમાં વધુ 10 લાખની વીજચોરી પકડાઇ
રાપર, તા. 12 : ભચાઉ તાલુકામાંથી વધુ દસ લાખની વીજચોરી પકડાઇ હતી. સતત બીજા દિવસે વાગડ વિસ્તારમાં પીજીવીસીએલની ટુકડીઓએ વીજચોરી પકડવા માટે દરોડા પાડવાનું ચાલુ રાખ્યું હતું. અંજારના અધીક્ષક ઇજનેર ડી. બી. ખોડિયાતરનાં માર્ગદર્શન તળે ભચાઉના કાર્યપાલક ઇજનેર જે.વાય. રાવ, એ. બી. પ્રજાપતિ, જે.એ. જુણેજાની આગેવાની હેઠળ 32 ટુકડીઓએ  ભચાઉ તાલુકાના ચોપડવા, આધોઇ, તોરણિયા, ચીરઇ, ઘરાણા, નરા, વામકા, કંથકોટ, જડસા, લખતર સહિતના ગામોએ ઘરવપરાશના અને ખેતીવાડીના મળીને 575 જોડાણમાં તપાસ કરી હતી. ઘરવપરાશના 92 અને ખેતીવાડીના 33 જોડાણમાં ગેરરીતિભરી વીજચોરી જોવા મળી હતી, જેમાં રૂા. 10,33,000ની વીજચોરી પકડાઇ હતી. કાર્યપાલક ઇજનેર શ્રી રાવએ એક યાદીમાં  જણાવાયું છે કે, વાગડમાં હજુ પણ વીજચોરી પકડવા માટે ટુકડીઓ વધુ દરોડા પાડશે અને વીજચોરી કરતા તત્ત્વોને બક્ષવામાં નહીં આવે.