ભુજથી નીકળેલાં મહિલાની બેગ સયાજીનગરી ટ્રેનમાં તફડાવાઇ
ભુજ, તા. 12 : સંબંધીને ઘરે ભુજ આવેલા ગોવાના જાસ્મિનબેન મનસૂરભાઇ માધવાણી નામનાં મહિલાની બેગ ભુજથી મુંબઇ જતી વેળાએ સયાજીનગરી ટ્રેનમાં ભરૂચ નજીક ઉઠાવી જવાઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગઇકાલે રાત્રે ભુજથી ઊપડેલી સયાજીનગરી ટ્રેનના મહિલા આરક્ષિત ડબ્બામાં જાસ્મિનબેન મુસાફરી કરી રહ્યાં હતાં. ભરૂચ નજીક ટ્રેન ધીમી પડી ત્યારે સહપ્રવાસી એવી બે મહિલાએ તેમની બેગ ઉઠાવી ટ્રેનથી બહાર ફેંકી હતી અને બાદમાં બન્ને ત્રી ધીમી ગતિએ ચાલતી ટ્રેનમાંથી ઊતરી ગઇ હતી.  ઉઠાવી જવાયેલી બેગમાં બે મોબાઇલ, ટેબ્લેટ, સાડીઓ, ડ્રેસ તથા અન્ય પાર્સલો મળી દોઢેક લાખ રૂપિયાની માલમતા હોવાનું બહાર આવ્યું છે. ભોગ બનનાર મુંબઇ પહોંચ્યા બાદ બોરીવલી ખાતે આજે સાંજે સાત વાગ્યા સુધી તેમની ફરિયાદ ન લેવાઇ હોવાનું અને છેલ્લે ઓનલાઇન ફરિયાદ કરી નાખો તેવો જવાબ અપાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.