ભુજમાં સાસરિયા પક્ષના સભ્યોના ત્રાસથી યુવાનનો આપઘાત : ટપ્પરના યુવકે આર્થિક કારણે જીવ દીધો
ભુજ, તા. 12 : શહેરમાં ચિંતન કાન્તિભાઇ ગોર (ઉ.વ.38)એ સાસરિયા પક્ષના સભ્યો દ્વારા પોલીસના સાથથી અપાઇ રહેલા ત્રાસને લઇ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી છે, તો બીજી બાજુ મુંદરા તાલુકાના ટપ્પર ગામે ભીખાલાલ આરબ કોળી (ઉ.વ.38) નામના યુવાને આર્થિક સંકડામણ થકી ત્રસ્ત બની ઝેરી જંતુનાશક દવા પી લઇને મોત વહાલું કરી લીધું હતું, જ્યારે ગાંધીધામ શહેરમાં ગંભીર રીતે દાઝી ગયેલી સંગીતાબેન જયપ્રકાશ યાદવ (ઉ.વ.24)ની જીવનયાત્રા પણ સારવાર દરમ્યાન પૂર્ણ થઇ હતી.  પોલીસ દફ્તરેથી પ્રાપ્ત માહિતી મુજબ, ભુજમાં સરપટ નાકા બહાર નાગનાથ મંદિર નજીક ક્રિષ્ના પાર્કમાં રહેતા ચિંતન ગોર નામના યુવકે ગળેફાંસો ખાઇને મોત આણી લીધું હતું. આજે સવારે નવેક વાગ્યાના સુમારે આ હતભાગી મૃત લટકતો મળી આવ્યો હતો. બાદમાં તેને જનરલ હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તેને વિધિવત્ મૃત જાહેર કરીને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.  આ પ્રકરણમાં એવી વિગતો બહાર આવી છે કે મરનાર યુવાને પંજાબી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. તેના સાસરા પક્ષના સભ્યો તેને ત્રાસ આપતા હતા. જેમાં ત્યાંની પોલીસ પણ સહકાર આપતી હતી. હાલે ગર્ભવતી પત્ની અને સંતાન પિયરમાં પંજાબ ગયા છે ત્યારે પાછળથી મરનારે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. મરનારે આ સમગ્ર કથની સુસાઇડ નોટમાં લખેલી છે. આ ચિઠ્ઠી પોલીસે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.  બીજી બાજુ, ટપ્પર ગામે ભીખાલાલ કોળી નામના યુવાનના આપઘાતનો કિસ્સો બહાર આવ્યો હતો. આ હતભાગી દ્વારા તેના ઘરમાં ગત મધરાત્રે આ પગલું ભરી લેવાયું હતું. પોલીસ સૂત્રોએ આ સંબંધી માહિતી આપતાં જણાવ્યું હતું કે , વ્યવસ્થિત કામધંધો ન મળતો હોવાના કારણે મૃતક આર્થિક સંકડામણ ભોગવી રહ્યો હતો અને પરિવારનો ગુજારો આ સ્થિતિમાં મુશ્કેલ લાગતાં તેણે આ પગલું ભરી લીધું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની છાનબીન હાથ ધરી છે.  દરમ્યાન, અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ અનુસાર, ગાંધીધામ શહેરમાં જૂની સુંદરપુરી વિસ્તારમાં રહેતી સંગીતાબેન યાદવનું ગંભીર રીતે દાઝી જવાથી અપમૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, પોતાના ઘરમાં દાઝી ગયેલી આ હતભાગીને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાઇ હતી, જ્યાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેણે દમ તોડયો હતો.