ભુજની સૌથી જૂની પાણી સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર અસમર્થ કેમ ?
ભુજની સૌથી જૂની પાણી સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર અસમર્થ કેમ ? ભુજ, તા. 12 : શહેરની પાણી સમસ્યા વર્ષો જૂની છે. પાણી એ જીવન છે, પાયાની જરૂરિયાત છે. આટલી સહજ અને સાદી સમજ જો સંબંધિત તંત્રને ન હોય તો એ આપણું દુર્ભાગ્ય છે. શહેરમાં પરિસ્થિતિ એવી છે કે અમુક વિસ્તારોમાં અઠવાડિયા સુધી પાણી આપવા માટે તંત્ર અસમર્થ છે જે ખરેખર શરમજનક છે. ભુજના નિરજ જે. સચદે કહે છે કે, જે વિસ્તારોમાં હાલ પાણી અપાય છે ત્યાં પણ ચાર, પાંચ કે છ દિવસે અપાય છે અને જેનો કોઈ સમય નક્કી નથી. ક્યારેક રાતે આઠ વાગ્યે, ક્યારેક બપોરે ત્રણ વાગ્યે તો ક્યારેક સવારે આઠ વાગ્યે. જે યોગ્ય નથી. મધ્યમ વર્ગના લોકોને વારંવાર ટેન્કર મંગાવવું પરવડે નહીં.  સવાલ એ થાય કે કેમ શહેરની કાયમી અને જૂની સમસ્યાનો ઉકેલ લાવવામાં તંત્ર સમર્થ નથી. દરેક વખતે એ જ મહિલાઓનું પ્રદર્શન અને વિપક્ષનો વિરોધ એનાથી વધુ કંઈ જ થતું હોય એવું દેખાતું નથી. 21મી સદીમાં દુનિયાના અન્ય દેશો ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે ત્યાં ભુજ જેવા વિકસિત શહેરમાં એક પાયાની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં તંત્ર સમર્થ નથી. તો બીજી માળખાગત સુવિધાઓની અપેક્ષા રાખવી નકામી છે. તંત્રને જે કાંઈ સમસ્યાઓ હોય તેનો ઉકેલ શોધી નથી શકાતો તો શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે જાહેર વાર્તાલાપ ગોઠવી, વિપક્ષને સાથે રાખી હલ કાઢવો જોઈએ.