દયાપરમાં પોસ્ટ ઓફિસ છે છતાં નાગરિકોને ઘડુલીના જ ધક્કા
દયાપર (તા. લખપત), તા. 12 : તાલુકાનું મુખ્ય મથક હોવા ઉપરાંત અહીં સબ પોસ્ટ ઓફિસ હોવા છતાં લોકોને ઘડુલી ગામ 8 કિ.મી. દૂર ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. દયાપરમાં પહેલાં પોસ્ટ ઓફિસ હતી. અપગ્રેડ કરી અહીં સબપોસ્ટ ઓફિસ થઈ. લોકો આનંદિત થયા. પોસ્ટ ઓફિસને લગતા તમામ કામો અહીં થવા લાગ્યા. પરંતુ સ્ટાફના અભાવે આ સબ પોસ્ટ ઓફિસના બુરા હાલ  થયા છે.  હાલમાં બે દિવસ થયા રવાપરથી પોસ્ટ ઈન્ચાર્જ તરીકે અહીં જગ્યા ભરી દેવામાં આવી છે પરંતુ આ કર્મચારી બીમાર પડતાં પોસ્ટ ઓફિસ સમયસર ખૂલતી નથી અને જ્યારે પોસ્ટમેન આવે ત્યારે ડબ્બામાંથી ટપાલ કાઢી નિયત કામ પૂર્ણ કરી નીકળી જાય છે. પોસ્ટ ટિકિટ ખરીદ, ટેલિફોન બિલ ભરણાં, રજિસ્ટર એડી જેવા કામો અટકી ગયા છે. કોમ્પ્યુટર પણ અન્ય કોઈ ચલાવી ન શકતાં આ સબ પોસ્ટ ઓફિસમાં મહત્ત્વના કામો થઈ શકતા નથી પરિણામે દયાપર કે આજુબાજુના ગામડાઓને છેક ઘડુલી ધક્કો ખાવો પડે છે. સબ પોસ્ટ ઓફિસની મુલાકાત લેતાં તાળું માર્યું હતું. રસ્તામાં જ પોસ્ટમેન સામે મળ્યા હતા. આ બાબતે પૂછતાં તેમણે કહ્યું હતું કે સાહેબ બીમાર છે. અમોએ ભુજ જાણ કરી દીધી છે પરંતુ તેમના બદલે અન્ય જવાબદાર કોઈ નિયુક્ત કરાયા નથી. ભાડાના મકાનમાં ચાલતી સબ પોસ્ટ ઓફિસ ભલે અપગ્રેડ થઈ પણ જરૂરી સ્ટાફ જ ન હોય તો શું મતલબ? હાલમાં જે નિયુક્તિ થઈ છે તે પણ રેગ્યુલર નથી.