દાડમના પાકમાં જીવાતના નિયંત્રણ સહિતના મુદ્દે ખેડૂતોને સમજ અપાઈ
દાડમના પાકમાં જીવાતના નિયંત્રણ સહિતના મુદ્દે ખેડૂતોને સમજ અપાઈ ભુજ, તા. 12 : કચ્છમાં વધતા જતા દાડમના વાવેતર વચ્ચે દાડમ વાવતા ખેડૂતોને દાડમના પાકની ખેતી પદ્ધતિ, દાડમમાં જીવાત નિયંત્રણ અને દાડમના પાકનો છૂપો દુશ્મન અને જેના વિશે મોટાભાગના ખેડૂતોને પૂરી જાણકારી નથી તેવા નેમેટોડ (કૃમિ) અંગે જાગૃત કરવા ભુજ-નખત્રાણા રોડ પર માજીરાઈ ખાતે અમૃત ફાર્મમાં ખાસ ખેડૂત સેમિનાર નીકો ઓરગો મેન્યુઅર્સ, ડાકોરના સૌજન્યથી યોજાયો હતો. આ સેમિનારમાં આઈ.સી.એ.આર. નવી દિલ્હીના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ડો. આર.કે. વાલિયા, આણંદ એગ્રી યુનિ.ના બાગાયત વિભાગના સહ પ્રાધ્યાપક ડો. એમ.જે. પટેલ, કિટકશાત્ર વિભાગના આર.કે. ઠુમર અને કૃમિશાત્ર વિભાગના ડો. બી.એ. પટેલ અને એ.ડી. પટેલ તથા વૈજ્ઞાનિક અંજના પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ દાડમની ખેતી, જીવાત નિયંત્રણ અને કૃમિ નિયંત્રણ વિશે ખેડૂતોને સમજણ આપી હતી. કૃમિ (નેમેટોડ)ને કારણે દાડમનો પાક ધાર્યું ઉત્પાદન નથી આપી શકતો અને તેનો નાશ કરવા માટે રાસાયણિક ઉપાય મુશ્કેલ છે તેમ જણાવી સજીવ ખેતી કરતા ખેડૂતો માટે કૃમિનું જૈવિક નિયંત્રણ શક્ય છે. નેમેટોડ નરી આંખે દેખાય તેવા ન હોવાથી અમૃત ફાર્મમાંથી જ જમીનનો નમૂનો લઈ તેની પ્રક્રિયા કરીને માઈક્રોસ્કોપની મદદથી એલસીડી ક્રીન પર નેમેટોડનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સહભાગી થનાર નીકો ઓરગો મેન્યુઅર્સ-ડાકોરના એમ.ડી. દુષ્યંતભાઈ લાયજાવાલાએ જણાવેલું કે તેમની કંપની 25 વર્ષથી સંપૂર્ણપણે કુદરતી પદાર્થોમાંથી જ ખાતર અને દવાઓ બનાવે છે અને ભારત ઉપરાંત દુનિયાના 40 દેશોમાં પોતાના ઉત્પાદન નિકાસ કરે છે. નીકો ઓરગો મેન્યુઅર્સના માર્કેટિંગ મેનેજર હસમુખ પ્રજાપતિએ નેમેટોડ નિયંત્રણમાં ખૂબ અસરકારક જૈવિક નિયંત્રક બાયોનિકોનીમા, નીકોડર્મા, પાવરઓલ તથા અન્ય ઉત્પાદનોની માહિતી આપી હતી. આ સેમિનારમાં અલગ અલગ ગામના દાડમનું વાવેતર ધરાવતા આશરે 200 જેટલા ખેડૂતોએ હાજરી આપી હતી અને તજજ્ઞોને પ્રશ્નોત્તરી કરી માહિતી મેળવી હતી. માજીરાઈ-કલ્યાણપરના દાડમની ખેતી ધરાવતા સરપંચ શાંતિભાઈ ભાવાણી અને ઉપસરપંચ બાબુભાઈ ભાવાણીએ પણ મંચ પર સ્થાન લીધું હતું. સેમિનારની શરૂઆત દીપ પ્રાગટય અને મહેમાનોના સ્વાગતથી થઈ હતી. આયોજન માટે અમૃત ફાર્મના અંબાલાલભાઈ પારસિયા, રસિક પારસિયા, દીપેશ પારસિયા તથા નીકો ઓરગો મેન્યુઅર્સના ફિલ્ડ આસી. સંજય ઠાકોરે જહેમત ઉઠાવી હતી. સંચાલન એરિયા સેલ્સ ઓફિસર સર્વોદય અંતાણીએ કરેલું હતું.