પર્યાવરણના મુદ્દે પદ્ધર સ્થિત ઉદ્યોગ એકમનો વિરોધ
ભુજ, તા. 12 : ભુજ તાલુકાનાં પદ્ધર ગામે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટાયરનું ઉત્પાદન કરવામાં આવે છે. હાલમાં કંપની દ્વારા કાર્બનના ઉત્પાદન માટે મંજૂરી માગવામાં આવી છે. આ મંજૂરીની પ્રક્રિયા રૂપે આગામી 26મીના કાર્બન પ્લાન્ટ માટે પર્યાવરણની એન.ઓ.સી. લેવા લોકસુનાવણી રાખવામાં આવી છે ત્યારે તેની સામે નારાજગી ફેલાઇ?છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ (બી.કે.ટી.) દ્વારા 2012માં પદ્ધરમાં ટાયર પ્લાન્ટ શરૂ?કરવામાં આવતાં 2012માં થયેલી લોકસુનાવણીમાં કરેલા વાયદાઓમાં કંપનીએ એકપણ?વાયદો પૂરો કર્યો નથી. વળી કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી પણ આપવામાં આવતી નથી. હાલમાં કંપની દ્વારા કાર્બન પ્લાન્ટ શરૂ?કરવાનો હોઇ છેલ્લા 10 દિવસથી કંપનીના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને લોલીપોપ આપી પોતાના સમર્થનમાં લેવા માટેની પેરવી કરવામાં આવી રહી છે.કંપનીના મેનેજમેન્ટ દ્વારા ગામની શાળામાં વોટર કૂલર આપવામાં આવ્યા હતા, આ બાબતે સ્થાનિક કક્ષાએ ગામના સરપંચ ભાવનાબેન, ઉપસરપંચ રાઘુભાઇ અને તાલુકા પંચાયતના સદસ્ય રાજેશ?આહીરની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને માંગ કરવામાં આવી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં કંપની દ્વારા ગ્રામજનો માટે શું સુવિધા પૂરી પાડવામાં આવી અને કેટલા સ્થાનિક બેરોજગારોને નોકરી આપવામાં આવી તેનો ખુલાસો પૂછવામાં આવ્યો હતો. પદ્ધર પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યની યાદીમાં જણાવ્યા મુજબ બી.કે.ટી. દ્વારા શરૂ?થનાર કાર્બન પ્લાન્ટનો વિરોધ કરવામાં આવશે અને જરૂર પડયે ન્યાયિક લડત ગ્રામજનોને સાથે રાખીને?શરૂ કરવામાં આવશે તેવી ચીમકી અપાઇ હતી.