કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ રતનાલની મુલાકાત લઇને વિવિધ વિગતો મેળવી
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ રતનાલની  મુલાકાત લઇને વિવિધ વિગતો મેળવી ગાંધીધામ, તા. 12 : તાજેતરમાં કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રીએ અંજાર તાલુકાના રતનાલ ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહીરે સંસદીય સચિવ વાસણભાઇ આહીરને મળી ગામની સામાજિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે ચર્ચાઓ કરી હતી. સંસદીય સચિવે ગામની ખેતી, પશુપાલન અને ટ્રક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે રતનાલ ગામ સમગ્ર રાજ્યમાં આગવું અને મોખરાનું સ્થાન ધરાવતું હોવાનું જણાવ્યું હતું. ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે રતનાલને ખાસ કિસ્સામાં આઇ.ટી.આઇ. અને કૌશલ્યવર્ધન કેન્દ્ર આપ્યું હોવાની માહિતી ગૃહ રાજ્યમંત્રીને તેમણે આપી હતી. સંત વલ્લભદાસજી મહારાજ, પૂ. ત્રિકમદાસજી મહારાજ, પૂ. ભગવાનદાસજી મહારાજ, પૂ. કૃષ્ણદાસજી મહારાજ, પૂ. ભરતદાસજી મહારાજની કૃપા થકી રતનાલ સાંસ્કૃતિક રીતે પણ સમૃદ્ધ છે. ભાજપ પરિવાર દ્વારા જિલ્લા પંચાયતને બે પ્રમુખ ગામે આપ્યા છે. રાજ્યકક્ષાના મંત્રીથી લઇ સંસદીય સચિવનું પ્રતિનિધિત્વ રતનાલે આપ્યું હોવાનું જણાવ્યું હતું. ગામની તમામ વિગતોથી વાકેફ થઇ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ ગામની એકતાને બિરદાવી હતી. આ વેળાએ સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ?કેશુભાઇ પટેલ, જીવાભાઇ આહીર, વલમજી હુંબલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેવું શૈલેશ?પટેલે અખબારી યાદીમાં જણાવ્યું હતું.