ગાંધીધામ સંકુલને હરિયાળું બનાવવા 3500 રોપાનું વિતરણ
ગાંધીધામ સંકુલને હરિયાળું બનાવવા 3500 રોપાનું વિતરણ ગાંધીધામ, તા. 12 : અહીંની વિવિધ સેવાકીય કાર્યો કરતી સંસ્થા ગાંધીધામ લાયન્સ કલબ દ્વારા ગાંધીધામને સુંદર, સ્વચ્છ અને હરિયાળું બનાવવાના પ્રકલ્પ અંતર્ગત રોપાઓનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું હતું. કલબના એક સદસ્યએ પિતાની સ્મૃતિમાં રોકડ રકમનું દાન આપી વૃક્ષોનું વાવેતર કર્યું હતું. લાયન્સ કલબ પ્રમુખ વિનોદ મેઘાણીના જણાવ્યા પ્રમાણે `ગો ગ્રીન' હેઠળ ગાંધીધામ આદિપુરને સુંદર શહેરમાં પરિવર્તિત કરવા 3500 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ કલબના રાજેશ ગોમ્બર દ્વારા તેમના પિતાની પુણ્યતિથિ હોવાથી અન્ય પ્રસંગ ન કરી રોપા વિતરણમાં તેમણે 10 હજારનું દાન કલબને આપ્યું હતું. તદઉપરાંત તેમના માતાના હસ્તે આદિપુર ઓમ મંદિર સ્થળે 50 રોપાઓનું વાવેતર કરી અનેરું ઉદાહરણ પૂરું પાડયું હતું. સમગ્ર આયોજનને પાર પાડવા સેક્રેટરી મુરલી રોહાની, પ્રોજેકટ ચેરપર્સન મોહન સૈનાની, અજિત ગલ્સાર, સંદીપ મજેઠિયા, સંજય ગાંધી, એસ.એન. ગુપ્તા, ગિરધર વિધાણી, ધીરેન મહેતા તેમજ અન્ય સભ્યો સહયોગી બન્યા હતા.