ચોપડવા પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત : પાંચ જણને ગંભીર ઇજા
ચોપડવા પાસે ગમખ્વાર અકસ્માતમાં  એકનું મોત :  પાંચ જણને ગંભીર ઇજા ભચાઉ, તા. 12 : ગાંધીધામ-ભચાઉ હાઇવે પર સાંજના અરસામાં જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થયા બાદ બન્ને વાહનોમાં આગ ફાટી નીકળતાં સર્જાયેલા ગંભીર અસ્માતમાં માંડવીના સલીમ નૂરમામદ સુમરાનું ભારે ઇજાઓથી તત્કાળ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાનાં પગલે ગાંધીધામ-ભચાઉ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી. અકસ્માતમાં અન્ય પાંચ જણા ગંભીર રીતે ઘવાયા હતા. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ અકસ્માતનો બનાવ ભચાઉ તાલુકાના ચોપડવા પાસે સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. ભચાઉથી ગાંધીધામ  જતી ટ્રક  અને કંડલા પોર્ટથી રાપર સસ્તા અનાજના દુકાનદાર માટે કેરોસીન ભરીને જતા ટેન્કર વચ્ચે ધડાકાભેર અથડામણ થઇ હતી. મોભેર ટક્કર થતાંની સાથે જ બન્ને વાહનોમાં આગ લાગી હતી. ટેન્કર અને ટ્રકના ટાયરો આગ લાગવાના કારણે એકીસાથે ફાટયા હતા. ટાયર ફાટવાના ધડાકાથી ભયનો માહોલ ફેલાયો હતો. આગ લાગતાં પસાર થયેલા વાહનચાલકો અને અન્ય સેવાભાવી કાર્યકરોએ હિંમત દાખવી ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. ગંભીર રીતે ઘવાયેલા એક ઇજાગ્રસ્તનો એક પગ કપાઇ ગયો છે, બીજા પગમાં ફ્રેકચર છે તેમજ મોઢા, આંખના ભાગે પણ ગંભીર ઇજા પહોંચી છે. તેનું નામ જાણી શકાયું નથી, જ્યારે જુસબ જાકબ સુમરા, ઇમરાન જાનમામદ સુમરા, વિક્રમસિંહ સોઢા, વેલજી ધનજી મઢવીને પણ ગંભીર પ્રકારે ઇજાઓ પહોંચી છે. તેમને ભચાઉની વાગડ વેલ્ફેરમાં સારવાર અપાઇ રહી છે. ભચાઉની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન ન હોવાથી મુશ્કેલી પડી હોવાનું અમારા ભચાઉ ખાતેના પ્રતિનિધિ કમલેશ ઠક્કરે જણાવ્યું હતું. ઇજાગ્રસ્તોને ભુજ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના બનાવનાં પગલે ચોપડવા ઓવરબ્રિજથી ભચાઉ અણુશક્તિ કંપની સુધી અને ચીરઇ સુધી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇન લાગી હતી. ત્રણેક કલાક સુધી હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી. બનાવનાં પગલે ફાયર ફાઇટર